ગુજરાત

જિગ્નેશ મેવાણી : વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળો ઉઘરાવતા વિવાદ કેમ થયો?

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આરોપ છે કે તેમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા અને અન્ય આરોગ્ય વ્યવસ્થાઓ વસાવવા માટે ફાળો ઉઘરાવતા ટ્રસ્ટ ‘વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ’નું ખાતું ફ્રીઝ કરવા પાછળ રાજકારણ છે.

વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ જિગ્નેશ મેવાણીને ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ભંડોળ ભેગું કરવામાં મદદ કરી રહ્યું હતું પરંતુ ચૅરિટી કમિશનરે તેનું ખાતું ફ્રીઝ કરી દીધું છે.

મેવાણીએ કહ્યું કે, આ સમય રાજકારણનો કરવાનો નથી અને ઓક્સિજન પ્લાન્ટ બન્યા પછી હુ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને તેના ઉદ્ઘાટન માટે બોલાવીશ.

વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું છે કે, તેઓ ચેરિટી કમિશનરના આ આદેશને હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

શું છે આખો મામલો?

જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે આ ટ્રસ્ટનું ખાતું ફ્રીઝ કરીને વડગામના લોકો માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના પ્રોજેક્ટને રૂપાણી સરકારે ફ્રીજ કર્યું છે.

જિગ્નેશ મેવાણીએ મંગળવારે એક પ્રેસવાર્તા કરીને કહ્યું કે હું સૌથી પહેલો ધારાસભ્ય હતો કે જેણે માગ કરી હતી કે ધારાસભ્યની મારી ગ્રાન્ટમાંથી બધા પૈસા કોરોનાના દર્દીઓની સારવારમાં જરૂરી એવા સાધનો વસાવવા માટે વાપરવામાં આવે.

તેમણે આ અંગે અમે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી.

તેમનો દાવો હતો કે જ્યારે સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી ત્યારે તેમણે જાહેર જનતા પાસેથી ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું જેમાં ‘વી ધ પીપલ ચૅરિટેબલ ટ્રસ્ટ’ તેમની મદદ કરી રહ્યું હતું. પરંતુ આ ચૅરિટી ટ્ર્સ્ટનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.

જિગ્નેશ મેવાણી ડબ્બો લઈને રસ્તા પર જાહેર જનતા પાસેથી ફાળો ઉઘરાવવા ઉતર્યા હતા..

તેમણે કહ્યું કે તેમની પહેલને સામાન્ય લોકો પાસેથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો અને તેઓ આ ભંડોળ ભેગું કરીને જલદીથી તેમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય આરોગ્ય સંબંધી સુવિધાઓ ઊભી કરવા માગતા હતા.


રાજકારણનો આરોપ

પ્રકાશ રાજ અને સ્વરા ભાસ્કરે જિગ્નેશ મેવાણીની આ ઝુંબેશને ટેકો આપ્યો હતો.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મારી વિનંતીનો કોઈ જવાબ ન મળતા, જ્યારે પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓ મરી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય તરીકે મેં મારા મતવિસ્તારમાં સડકો પર ઉતરીને જનતા પાસેથી ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું.

કેટલાક સેલેબ્રિટીઝ જેમકે દક્ષિણ ભારતીય ભાષાની ફિલ્મોના અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેમને ટેકો આપ્યો હતો.

તેમણે કહ્યું કે વી ધ પીપલ ચૅરિટેબલ ટ્રસ્ટના પુરાવા જોયા બાદ ચૅરિટી કમિશનરે ફાળો ઉઘરાવવા માટે માન્યતા આપી હતી, કાયદાકીય જોગવાઈઓ મુજબ સંસ્થાનું ખાતું ખુલ્યું પછી અચાનક કોઈ અજાણી વ્યક્તિની અરજીની આધારે ચૅરિટી કમિશનરની ઑફિસના લોકોએ સંસ્થાનું ખાતું ફ્રીજ કરી દીધું.

તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટાંકતા કહ્યું કે “આ સમય રાજકારણનો નથી. લોકોના જીવ બચાવવા માટેની પહેલને અટકાવી દેવામા આવી. કોઈ સામાજિક સંસ્થા જિગ્નેશ મેવાણીને મદદ કેમ કરે, એ માટે તેમને હેરાન કરવામાં આવે?”

“મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મારા મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે હું સ્વાગત કરીશ પણ અત્યારે તેમને વિનંતી કરું છું કે તેઓ હસ્તક્ષેપ કરીને સંસ્થાનું ખાતું સક્રિય કરાવે જેથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ કરાવી શકાય.”


‘ખોટી રીતે ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું’

જિગ્નેશ મેવાણીએ મુખ્ય મંત્રી રૂપાણીને વિનંતી કરી કે ટ્રસ્ટનું એકાઉન્ટ સક્રિય કરાય, ઓક્સિજન પ્લાન્ટ બનશે ત્યારે ઉદ્ઘાટન માટે રૂપાણીનું સ્વાગત કરાવીશ.

આખા મામલામાં આરોપ છે કે મેવાણીને મદદ કરતી સંસ્થાનું એકાઉન્ટ ફ્રીઝ કરવું એ એકપક્ષીય પગલું છે.

વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે “એપિડેમિક ઍક્ટ હેઠળ સરકાર સિવાય અન્ય લોકો મહામારીમાં દર્દીઓને મદદ થાય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરે તો કોઈ કાયદેસર મનાઈ નથી.”

આનંદ યાજ્ઞિકે કહ્યું કે “વી ધ પીપલ ચૅરિટેબલ ટ્રસ્ટનું કાયદેસર એકાઉન્ટ છે જેમાં અત્યાર સુધી માત્ર પૈસા જમા થયા છે અને કોઈ પૈસા ઉપાડવામાં નથી આવ્યા. એટલે કોઈ ગેરરીતિનો સવાલ નથી.”

“જિગ્નેશ મેવાણીએ એક બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે ફાળો ઉઘરાવવા માટે લોકોને વિનંતી કરવાનું સ્વીકાર્યું હતું.”

આનંદ યાજ્ઞિકે કહ્યું કે “રામ જન્મભૂમિ માટે જ્યારે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા ત્યારે કોઈએ તેમને નથી કર્યો નથી પરંતુ જ્યારે કોરોનાના દર્દીઓ માટે સારવારની સુવિધાઓ માટે આ ટ્રસ્ટ ફાળો ઉઘરાવે છે ત્યારે તેઓ ખોટા આદેશો આપે છે.”


વાત કરતા આનંદ યાજ્ઞિકે “કોઈ એડિશનલ ઑર્ડર, ઑર્ડર, નોટિસ પણ મળી નથી, આર્ટિકલ 14 મુજબ ચૅરિટી કમિશનરને પણ નોટિસનો જવાબ સાંભળ્યા પછી જ પગલાં લેવાના હોય છે.”

“ઇન્સપેક્ટર ટ્રસ્ટની ઑફિસે આવે છે, બુક્સ જોવા આવે છે તો પછી નોટિસ પણ આપી શકે છે. જો આપી હોય નોટિસ તો એના કોઈ પુરાવા પણ નથી અપાયા.”

તેમણે આરોપ મૂક્યો કે “ચૅરિટી કમિશનર ઑફિસો પાસેથી કોઈ ટ્રસ્ટીને કારણબતાવો નોટિસ મળી નથી તો જવાબ ક્યાંથી આપે અને જવાબ નથી આપ્યો તો અચાનક ટ્રસ્ટનું એકાઉન્ટ કેમ ફ્રીઝ કરવામાં આવ્યું. ગુજરાત પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ ચેરિટી કમિશનરને આ પ્રકારનો ઑર્ડર આપવાનો કોઈ અધિકાર નથી.”

જોકે ચૅરિટી કમિશનર વાય એમ શુકલાએ મીડિયામાં આપેલા નિવેદન મુજબ કહ્યું કે, જિગ્નેશ મેવાણી વી ધ પીપલ ટ્રસ્ટ માટે ફાળો ઉઘરાવી રહ્યા હતા , અમે તેના સાતે ટ્રસ્ટીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે અને ટ્રસ્ટનું એસબીઆઈનું ખાતું ફ્રીઝ કર્યું છે.

તેમણે આગળ કહ્યું કે, “અમને ફરિયાદ મળી હતી કે જિગ્નેશ મેવાણી આમાં ટ્રસ્ટી નથી છતાં તેઓ ફાળો ઉઘરાવે છે. એ સિવાય પણ અનેક પ્રશ્નો હતા જે અંગે અમે નોટિસ પાઠવી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા અમે એકાઉન્ટ ફ્રીઝ કરવાની ફરજ પડી હતી.”

ડેક્કન હેરાલ્ડના એક અહેવાલમાં તેમણે કહ્યું, “ટ્રસ્ટીઓએ આ નોટિસનો જવાબ આપવો પડે કે શું તેમણે એવો કોઈ ઠરાવ પસાર કર્યો હતો કે જિગ્નેશ મેવાણી તેમના વતી ફાળો ઉઘરાવી શકે.”

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ વાય એમ શુક્લાએ કહ્યું હતું કે “જિગ્નેશ મેવાણી જ્યારે તેમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ફંડની લોકોને વિનંતી કરી રહ્યા હતા ત્યારે તેમણે આ ટ્રસ્ટમાં પૈસા જમા કરવાની વિનંતી કરી હતી. અને અમને આ અંગેની અરજીઓ મળવા લાગી હતી. ”

“એટલે અમે તારીખ ત્રીજી મેના રોજ આ અંગે ટ્રસ્ટને પ્રશ્ન પૂછ્યા હતા પરંતુ અમને કોઈ જવાબ મળ્યો ન હતો. અમે આ બાબતને ગંભીરતાથી લેતા એકાઉન્ટ ફ્રીઝ કર્યું અને સંસ્થાના દસ્તાવેજો, ઠરાવો, રિસિપ્ટ બુક્સ વગેરે મગાવ્યા છે અને એક ઇન્સપેક્ટરને તપાસ હાથ ધરવા કહ્યું છે. ”


‘જરૂર પડે તો દેવું કરીશ’

જિગ્નેશ મેવાણીનો આરોપ છે કે આ બધું ગાંધીનગરના ઇશારે થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે “જરૂર પડે તો હું દેવું કરીશ, હું કોઈ પણ સંજોગોમાં મારા મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માગું છું. હું વિજય રૂપાણીને વિનંતી કરું છું કે તેઓ ચેરિટી કમિશ્નરની ઑફિસને તાકીદ કરીને કહે કે સંસ્થાનું એકાઉન્ટ ફરી ચાલતું કરવામાં આવે જેથી મારા મતવિસ્તારના લોકોને ઓક્સિજન મળી રહે.”

29 એપ્રિલે વડમગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે વડગામ બનાસકાંઠામાં આવેલો એક અતિ પછાત તાલુકો છે અને અહીં ઓક્સિજનની માગ ખૂબ વધી ગઈ છે. ઓક્સિજનની કમીને કારણે લોકો દમ તોડી રહ્યા છે તે ખૂબ દર્દનાક છે. ઓક્સિજન પ્લાન્ટ લગાવવા અને કોન્સન્ટ્રેટર્સ ખરીદવા માટે વી ધ પીપલ ફાઉન્ડેશન મારફતે ક્રાઉનડ ફંડિંગનું કૅમ્પેન લૉન્ચ કર્યું છે.

આની પહેલા તેમણે ધારાસભ્યોને દર વર્ષે મળતી દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટને ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે વાપરવા માટે ગુજરાતના પ્રધાનસચિવને જ્ઞાપન સોંપ્યું હતું.

તેમણે કહ્યું કે મને કોરોનો થયા છે અને મારી તબિયત બરાબર નથી તો પણ મેં મુખ્ય સચિવને એક જ્ઞાપન સોંપ્યું છે. પરંતુ એ ફાઇલ મુખ્ય મંત્રી પાસે વિચારણા માટે જશે અને ત્યાર પછી જવાબ મળશે. ત્યાર સુધી ઘણો સમય જતો રહેશે. એટલે હું જનતા માટે, જનતા પાસેથી ફાળો ઉઘરાવી મારા મતવિસ્તારમાં એક ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માગું છું. સાથે જ થોડા ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ખરીદવા માગું છું.

તેમણે આગળ કહ્યું કે 50 લાખ રૂપિયા જેટલું ભંડોળ ભેગું થાય તો 30-35 લાખ રૂપિયાં ઓક્સિજન પ્લાન્ટ લગાવી શકાશે અને બાકીના પૈસાથી ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ખરીદી શકાશે અને દવા તથા બૅડની વ્યવસ્થા પ કરી શકાશે.

તેમણે કહ્યું કે હું લોકો પાસેથી હાથ જોડીને વિનંતી કરું છું કે ઓક્સિજન પ્લાન્ટ લગાવવો છે અને ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સ વસાવવા માટે મદદ કરે.

જિગ્નેશ મેવાણીએ અને કૉંગ્રેસના નેતાઓએ આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી જેમાં ધારાસભ્યોના ફન્ડને કોરોના વાઇરસ સામેની લડતમાં વાપરવાની પરવાનગી આપવાની વિનંતી કરવામાં આવી હતી.

હાઈકોર્ટમાં બે અરજીઓ કરવામાં આવી હતી જેમાંથી એક જિગ્નેશ મેવાણીએ કરી હતી અને બીજી ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ કરી હતી.

જિગ્નેશ મેવાણીની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના મતવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો છે પરંતુ ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની કમી છે જેથી કોરોના સંક્રમણની સારવાર થઈ શકતી નથી.


સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ વાપરવાની માગ સ્વીકારી

તારીખ છઠી મેના જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાત સરકારે ધારાસભ્યોને મળતી વાર્ષિત ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા કોરોનાના દર્દીઓની સારવારની સુવિધામાં વાપરવાની મંજૂરી આપી હતી.

ગુજરાતમાં બધી પાર્ટીઓના અનેક ધારાસભ્યોએ માગ કરી હતી તેમની મળતી ગ્રાન્ટમાંથી પૈસા કોરોના સામેની લડતમાં વાપરવાની તૈયારી બતાવી હતી અને ત્યાર બાદ ગુજરાત સરકારે ધારાસભ્યોને અત્યારે સિવિલ હૉસ્પિટલો, સરકારી દવાખાનાઓ અને નગરનિગમની હસ્પિટલો પર વાપરી શકાય છે તેના કરતા આ ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા વધારે વાપરવાની મંજૂરી આપી હતી

એમએલએલૅડ ફન્ડ એટલે કે મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેંબલી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં વિકાસના નાનાનાના કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.


#Ns news #Naitik Samachar #latest news #Jignesh Mevani #MLA Grant #Oxygen Plant

#Vadgam news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button