ધંધા ઠપ થતાં સુરતમાં દુકાનદારો રસ્તા પર ઉતર્યા : વિરોધ પ્રદર્શન
– કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત રાજ્યભરના 36 શહેરોમાં આંશિક લોકડાઉનના નામે દુકાનો – મોલ અને શોપિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે નાના અને મધ્યમ દુકાનદારોની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. છેલ્લા 15 દિવસથી ધંધો – રોજગાર બંધ રહેવાને કારણે વેપારીઓ પણ હવે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં નજરે પડી રહ્યા છે. સુરતના પુણા વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં વેપારીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદશર્ન કરીને સરકાર સમક્ષ દુકાનો શરૂ કરાવવા માટે માંગણી કરી હતી.તો ગુરુવારે સુરતમાં કોરોનાના ૧૦૦૩ કેસ જ્યારે સત્તાવાર ૧૪ મોત નોંધાયા છે.
સુરતમાં પુણા ગામ વિસ્તારમાં સવારથી મોટી સંખ્યામાં દુકાનદારોએ એકઠાં થઈને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, 28મી એપ્રિલથી સરકાર દ્વારા તમામ વેપાર – ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે દુકાનોમાં માંડ એક – બે લોકો કામ કરતાં હોય તે લોકોના રોજગાર – ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે જ્યાં પાંચ – પાંચ હજાર લોકો કામ કરતા હોય તેવી ફેકટરીઓ – મિલો અને ઉદ્યોગો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સૌથી વધુ ખરાબ અને દયનીય હાલત દુકાનદારોની થઈ રહી છે. દુકાનદારોએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, હજી આગામી 18મી સુધી શહેર સહિત રાજ્યમાં આંશિક લોકડાઉનના નામે રોજગાર – ધંધા બંધ કરાવી દેવામાં આવ્યા છે ત્યારે દુકાનોનું ભાડુ, લાઈટ બિલ, વેરા બિલ, બાળકોનો શૈક્ષણિક ખર્ચ અને ગુજરાન ચલાવવા માટે વેપારીઓની હાલત કફોડી થઈ જવા પામી છે.
#Ns news #Naitik Samachar #latest news #Night curfew
#Gujarat latest news #Surat news