ગુજરાત

વાવાઝોડોના પગલે વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ.

વાવાઝોડા (Cyclone) ની આગાહીને પગલે વલસાડ (Valsad) જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ પર છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા 84 ગામોમાં એલર્ટ (Alert) જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના અધિકારીઓની ટીમો દ્વારા સતત દરિયાકિનારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે. અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે વલસાડ (Valsad) જિલ્લામાં તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.અને વલસાડ પારડી અને ઉંમરગામ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ફાયર ફાયટરોની ટીમો ને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે.

સાથે જ વલસાડ (Valsad)જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયા કિનારા વિસ્તારમાં જિલ્લામાં 600થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. સાથે જ દરિયા કિનારા વિસ્તારમાં પીઆઇ અને પી.એસ.આઈ સહિતના 24 અધિકારીઓની ટીમ પણ અત્યારે નજર રાખી રહ્યા છે.

જિલ્લાની 48 કોવીડ હોસ્પિટલો (Covid Hospital) માં પાવર બેક અપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સીમાં જરૂર પડે તો હોસ્પિટલોને વધારે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવા પણ તંત્ર એ તાકીદ કરી છે. જિલ્લાના 70 કિલોમીટર ના દરિયા કિનારે આવેલા 84 ગામમાં 125 શેલટર હોમ બનાવવામાં આવ્યા છે.

જોકે જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા દસ ગામો જે દરિયાકિનારાથી એકદમ નજીક છે. એવા ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત ઉભી થાય તેવી પરિસ્થિતિ છે. આથી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ લોકોનો સહયોગ નથી મળી રહ્યો આથી લોકો ને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ માં તૈયાર કરવામાં આવેલા કંટ્રોલ રૂમની સાથે જિલ્લાના કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે અને જરૂરી માહિતી મેળવી રહ્યા છે તેમજ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરી રહ્યા છે. આમ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button