ગુજરાતદેશ દુનિયાભારત

એશિયાના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, પ્રથમ સ્થાને મુકેશ અંબાણી

ગુજરાતીઓની બોલબાલા: બે ગુજરાતીઓની વચ્ચે ચીનના અબજોપતિ બિઝનેસમેન હતા, જેમને પાછળ કરીને બીજા ક્રમાંકે પહોંચી ગયા ગૌતમ અદાણી.

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં બે ગુજરાતીઓનો દબદબો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે એશિયાના સૌથી ધનિક લોકોની યોદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ટોચના ક્રમાંકે છે.

બ્લૂમબર્ગના વૈશ્વિક અબજોપતિઓની યાદીની વાત કરીએ તો તેમાં મુકેશ અંબાણી 13મા જ્યારે ગૌતમ અદાણી 14મા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના અહેવાલ અનુસાર પોર્ટથી લઈને એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં વ્યવસાય ધરાવતા ગૌતમ અદાણીએ ચીનના અબજોપતિ બિઝનેસમેન ઝોન્ગ શાનશાનને પાછળ કરીને આ સ્થાન મેળવ્યું છે. આ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રૂપ્ના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે ઝોન્ગ શાનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર નોંધાઈ હતી.

ફેબ્રુઆરી, 2021માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શાનશાનને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો, આ યાદીમાં પણ મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે.

ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં પાછલા એક વર્ષમાં 32.7 અબજ ડોલરનો જંગી વધારો નોંધાયો છે, જ્યારે અંબાણીની સંપત્તિમાં આ સમયગાળા દરમિયાન 175.5 મિલિયન ડોલરનો આંશિક ઘટાડો થયો હોવાનું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અંબાણીની નેટવર્થ 76.5 અબજ ડોલર નોંધાઈ છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ સંપત્તિમાં થયેલા વધારા માટે અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈસિસ, અદાણી ગેસ એન્ડ ટ્રાન્સમિશન જેવી કંપ્નીઓના શેરની કિંમતોમાં જોવાયેલો ઉછાળો કારણભૂત છે.

ઉલ્લેખનીય છે કે પાછલા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈસિસના શેરની કિંમતોમાં 617 ટકા અને 827 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. લાઈવ મિન્ટના એક અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન અદાણી ટોટલ ગેસના શેરમાં 1145 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ચીનના અબજોપતિ શાનશાન નોન્ગફુ સ્પ્રિંગ બેવરેજીસના સ્થાપક ચેરપર્સન હોવા ઉપરાંત બેઈજિંગ વન્તાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઈસમાં પણ બહુમત હિસ્સો ધરાવે છે.

એક સમયે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં શાનશાન છઠ્ઠા ક્રમાંકે હતા. જોકે પાછલા થોડાક મહિનાઓમાં તેમની સંપત્તિમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક અને એશિયાના ધનિકોની યાદીમાં તેમનું સ્થાન નીચે આવી ગયું છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #ambani #adani #top 2 richest man in asia

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button