ગુજરાત

ધ્રોલ નગરપાલીકાની વ્હાલા દવલાની નીતિ, સામાકાંઠાના વિસ્તારમાં પાણી માટે વલખા મારતા 450 ઘરો

ધ્રોલ બાવની નદીના સામાકાંઠા વિસ્તારની ત્રણ સોસાયટીમાં પાણીનો મોટાો પ્રશ્ર્ન ઉભો થયો છે. પાણીની પાઇપલાઇન નાખવા લોકભાગીદારીથી રકમ એકત્ર થવા છતા હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરાઇ નથી તેમજ સ્વભંડોળમાંથી કામ પુરુ કરી આપવાના નગરપાલિકામાંથી જવાબો મળી રહ્યા છે.

ધ્રોલની જામનગર હાઇવે પર બાવની નદીનાં સામા કાંઠે આવેલ વોર્ડનં છની ભવ્યગ્રીન, જયોતિ પાર્ક અને સનસીટી સોસાયટીનાં રહીશોને ભર ઉનાળે પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. આ ત્રણે સોસાયટીમાં અંદાજે 450થી વધુ ઘરોમાં લોકો રહે છે. ધ્રોલ નગરપાલીકાએ ત્રણે સોસાયટીઓમાં પાણીની પાઇપલાઇન નાંખવા માટે એસ્ટીમેન્ટ 17 લાખનું હતું. લોકોને લોકભાગીદારીની રકમ ભરવા કહેતા સાડા ત્રણ લાખ જેટલી રકમ લોકભાગીદારીની ભરી હતી. ત્રણ માસ પહેલા કામ પુરું થઇ ગયું છે. પણ આજ દિવસ સુધી સોસાયટીને પાણી મળતુ નથી. સોસાયટીઓનાં લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજુઆતો કરી છે. છતાં પ્રશ્નનો કાઇ જ ઉકેલ આવતો નથી.

નગરપાલિકાએ લોકોને એસ્ટીમેન્ટમાં ભૂલ થઇ છે. આથી કામ સ્વભંડોળમાંથી પુરું કરી આપશું એવા જવાબો આપ્યા છે. પણ આ કામ કે પાલિકા કયારે પુરુ કરશે એ બાબતે લોકો મુંજવણમાં મુકાયા છે. ધ્રોલ તાલુકા યુવા ભાજપના મહામંત્રી રામજીભાઇ મુંગરા એ નગરપાલિકા સામે ભેદભાવ રખાતા હોવાનાં આક્ષેપો કર્યા છે.

કોઇ પણ કામ મંજુર થાય ત્યારે એન્જીનીયર સર્વે કરવા આવે ત્યારે સાઇડ પ્લાન અને માપ ઉપરથી એસ્ટીમેન્ટ બને છે. સરકારે પણ પાણી અને ભૂગર્ભ ગટરનાં કામને પ્રાયોરીટી આપી છે. હાલની ધ્રોલ નગરપાલિકા શા માટે આ વાતને ધ્યાને લેતી નથી. 8 કે 10 લાખમાં થઇ જાય તેવા કામોનાં 25 લાખનાં એસ્ટીમેન્ટ થઇ જાય અને રજુઆત કરીએ તો એમ કહે એસ્ટીમેન્ટમાં ભૂલ છે આ ભૂલ કોની કેવાય.

તેમજ નગરપાલીકાએ વેરામાં પણ ઘણા વધારા કર્યા છે. બાંધકામ મંજુરીમાં પણ નવા બોજ નાંખવામાં આવેલ છે. બોજ નાંખવા ઠરાવોમાં પણ ફેરફાર થઇ ગયા છે. હાલ આવા કોઇ બોજ ન નાખવા પણ રજુઆત કરાઇ છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #dhrol nagarpalika

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button