ગુજરાત

સુજલામ-સુફલામ યોજનામાં ‘રાત ઓછી ને વેશ જાજા’ : ૧૦ દિવસમાં ૭૩૦ કામ પૂર્ણ કરવાનું લક્ષ્‍‍યાંક

ભુજ : ગુજરાત સરકાર દ્વારા સુજલામ – સુફલામ જળસંચય યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત ચોમાસા પૂર્વે ઉનાળા દરમ્યાન જે-તે ગામમાં આવેલા તળાવો ઉંડા કરવામાં આવે છે, જેના કારણે વરસાદના સમયે તળાવોમાં વધુ વરસાદી પાણી સંગ્રહ થઈ શકે. કચ્છ જેવા સૂકા મુલક માટે આ યોજના આશિર્વાદરૂપ રહી છે. જિલ્લામાં ૭ શહેરો, ૧૦ તાલુકા, ૬૩ર ગ્રામ પંચાયત તેમજ માનવીઓ કરતા પશુધનની વસ્તી ઘણી વધારે છે. પાણી એ જીવન જરૂરી વસ્તુ છે. અમુક સ્થળોએ નર્મદાના પાણી પહોંચે છે, પણ મોટા ભાગના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારો આજે પણ પાણી માટે વરસાદ પર નિર્ભર છે. જાેકે, આ વર્ષે સુજલામ-સુફલામ યોજનાનો કચ્છમાં છેદ ઉડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, રાત ઓછી અને વેશ જાજા જેવો તાલ છે. ૧૦ દિવસમાં ૭૩૦ કામો કેવી રીતે પૂર્ણ થશે તેની સામે જ પ્રશ્નાર્થ સેવાય છે. યોજનાની જાે વાત કરીએ તો આ વર્ષે ૧ એપ્રિલથી ૩૧ મે સુધીનો સમયગાળો નિર્ધારીત કરાયો છે.

કચ્છમાં માસ્ટર પ્લાન અંતર્ગત તંત્ર દ્વારા ૧૧૯૮ તળાવોનું ખાણત્રુ કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં નાગરિકોની રજૂઆત અને કંપનીઓ આગળ આવતા વધુ ૧૬૬ કામોનો ઉમેરો થયો, જેથી બે મહિનાના નક્કી સમયગાળામાં ૧૩૬૪ તળાવોનું ખાણેત્રુ કરવાનું આયોજન હતું, જાેકે, ૧ એપ્રિલથી ર૧ મે સુધીના પ૧ દિવસોમાં કચ્છમાં માત્ર ર૩ કામો જ પૂર્ણ થયા છે. બાકીના કામો હજુ પણ પ્રગતિ હેઠળ છે. વિભાગો વાઈઝ વાત કરીએ તો ઈરીગેશન વિભાગ દ્વારા ૯પ૧ તળાવોનું ખાણેત્રુ કરાશે, જેમાં પ૦૬ કામો હાલ પ્રગતિ હેઠળ છે.

બાકીનાના હજુ ઠેકાણા નથી. પાણી પુરવઠા અંતર્ગત ૪ર તળાવો ઉંડા કરવાના આયોજન સામે હજુ સુધી માત્ર ૪ તળાવોનું જ કામ શરૂ થયું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ર૪ર તળાવો ઉંડા કરવાનું લક્ષ્‍યાંક નક્કી કરાયો છે, પણ માત્ર ૧૪૪ તળાવોમાં કામગીરી થઈ છે. આશ્ચર્ય વચ્ચે જંગલ ખાતાએ ૧૯ તળાવો ઉંડા કરવાનું નક્કી કર્યું, જે તમામ કામો પ્રગતિમાં હોવાનું જણાવાયું છે.

શહેરી વિસ્તારોમાં ૭ નગરપાલિકા દ્વારા ૩૮ તળાવો ઉંડા કરવાના થાય છે, જેમાં હજુ સુધી માત્ર ૧૭ તળાવોમાં જ કામગીરી શરૂ થઈ શકી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ૩૩ તળાવો ઉંડા કરાશે, પણ માત્ર એક જ તળાવનું ખાણેત્રુ શરૂ થયું છે, તો બાકીના ૩ર કામો ક્યારે થશે તે સવાલ ઉઠવાયો છે. વોટર શેડ વિભાગના તમામ ૩૯ કામો પ્રગતિ હેઠળ છે. આમ જિલ્લામાં કુલ યોજના અંતર્ગત ૧૩૬૪ તળાવો ઉંડા કરી વરસાદના સમયે વરસાદી જળ સંગ્રહ કરવાનું આયોજન હતું, પણ અત્યાર સુધીના પ૧ દિવસોમાં ર૩ કામો જ પૂરા થયા છે, તો ૧૦ દિવસમાં ચાલી રહેલા ૭૩૦ કામો કેવી રીતે પૂર્ણ થશે તે સવા મણનો સવાલ છે.

બીજી તરફ હજુ તો ૬૧૧ કામોના કોઈ ઠેકાણા જ નથી. જિલ્લામાં આવી મંદ કામગીરી કેમ થઈ તે બાબતે જવાબદારોએ જણાવ્યું કે, ઘણા કામો સાંસદ અને ધારાસભ્યની ભલામણોના આધારે યોજનામાં આવરાયા હતા. સરકારની યોજના પ્રમાણે ૪૦ ટકા જન ભાગીદારી જાેઈએ તો જ કામ આગળ વધે, પણ કોરોનાની સ્થિતિમાં લોકો આર્થિક કટોકટીમા આવી જતા આવી યોજનાઓ માટે જન ભાગીદારી આપવા કોઈ આગળ આવતું નથી, જેના પરિણામે જન ભાગીદારી ન મળવાથી જિલ્લામાં ઓછા તળાવનું ખાણેત્રુ થઈ રહ્યું હોવાનો એકરાર કરાયો હતો. નોંધનીય છે કે, ગત વર્ષે પણ માત્ર ૩૮૮ જેટલા તળાવોનું જ ખાણેત્રુ સિઝન દરમ્યાન થઈ શક્યું હતું.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #bhuj news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button