વાવાઝોડું ‘યાસ’ આગામી 12 કલાકમાં ધારણ કરી શકે છે વિકરાળ રૂપ
એજન્સી, દિલ્હી
વાવાઝોડું ‘યાસ’ આગામી ૧૨ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર લો ડિપ્રેશનનું નિશાન છે. આગામી ૧૨ કલાકમાં તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની સંભાવના છે. વાવાઝોડું ૨૪ મે સુધી ઝડપી બનશે અને ૨૬ મેના રોજ ઉત્તર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારે ટકરાશે.
હવામાન વિભાગે બુલેટિનમાં કહ્યું કે, પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર લો પ્રેશર બન્યું છે, જે મધ્યમ ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી વિસ્તરેલું છે. તે આગામી ૧૨ કલાકમાં એક ડિપ્રેશનમાં કેન્દ્રીત થવા અને ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની તીવ્ર સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આ પ્રેશર ગતિ પકડી ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે.
હવામાન વિભાગ અનુસાર, ૨૪ મે સુધી ચક્રવાતી તોફાન ગંભીર વાવોઝોડામાં ફેરવાઇ જશે. તે ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ૨૬ મેની સવારે પશ્ચિમ બંગાળ અને આસપાસના ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકિનારે ટકરાશે. જ્યારે ૨૬મીની સાંજે તે આ વિસ્તારોને પાર કરી શકે છે.
ઉપરાંત ૨૫ મેના રોજ ઓડિશા, બંગાળ અને ૨૬મીએ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સાથે જ ભારે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે.
#Ns news #Naitik Samachar #latest news #yaas cyclone #yaas