ગુજરાત

ગુજરાતની શાળાઓની મનમાની ફરી શરૂ : લૂંટાતા મધ્યમ વર્ગના વાલીઓ લાચાર, સરકાર ઊંઘમાં

મધ્યમ વર્ગ દરેક જગ્યાએ લૂંટાય છે, સંતાનો માટે ગમે તેમ કરીને ફી તો ભરશે જ. આ જ લાચારીનો ફાયદો હવે શાળાઓ ઉઠાવવા માંગે છે અને સરકાર આ મામલે મૌન ધરી તમાશો જોઈ રહી છે.

  • ધોરણ-11માં પ્રવેશ આપવાનું શરૂ
  • શાળાઓ માંગી રહી છે 100 ટકા ફી
  • શાળાઓની મનમાની સામે વાલીઓ લાચાર

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો માર સહન કરી રહ્યો છે. મહામારીમાં સૌથી વધારે જૉ કોઈ પિસાયું હોય તો તે છે મધ્યમ વર્ગ. દેશના લાખો મિડલ ક્લાસ પરિવારની હાલત એ થઈ છે કે તે ગરીબી રેખા નીચે જતાં રહ્યા છે. મહામારીના સમયમાં મેડિકલ સેક્ટરે મિડલને ક્યાંયનો રહેવા દીધો, અને હવે વારો છે શિક્ષણનો.

ધોરણ 11 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
કોરોના વાયરસના કારણે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા વગર જ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને હવે ધોરણ 11 માટે પ્રવેશ પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. જાણે તકની રાહ જોઈને બેઠેલા શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી મોંઘીદાટ ફીની માંગણી કરવામાં આવી રહી છે. પોતાના સંતાનોના ભવિષ્ય માટે પરસેવા પાડતો મધ્યમ વર્ગનો નાગરિક હવે મૂંઝાઈ રહ્યો છે. આદમાવડની શાળાઓમાં પ્રવેશની સાથે આખા વર્ષની ફી માંગવામાં આવી રહી છે.

100% ફીસ માંગી રહ્યા છે એજ્યુકેશન માફિયા, શિક્ષણમંત્રી મૌન
ગુજરાતમાં ધોરણ 11 માટે પ્રવેશ અને ફી મુદ્દે સરકાર તો હજુ સૂતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હજુ સુધી ફી મુદ્દે સરકારે કોઈ જ નિર્ણય કર્યો નથી, ગયા વર્ષે વાલીઓને 25% રાહત આપી હતી. અમદાવાદની શાળાઓ દ્વારા સ્પષ્ટ વલણ અપનાવવામાં આવી રહ્યું છે કે જૉ એક સાથે બધી જ ફી ભરવામાં આવશે નહીં તો પ્રવેશ પણ નહીં આપવામાં આવે જેના કારણે વાલીઓની પરિસ્થિતિ કફોડી બની છે. શાળાઓ દ્વારા કરવામાં આવી રહેલી મનમાની સામે વાલીઓ લાચાર બન્યા છે ત્યારે ઊંઘતું શિક્ષણ વિભાગ ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન છે. ગયા વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થતિ ઊભી થઈ હતી જે બાદ મોડા મોડા સરકાર જાગી અને ફીમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ તેવું સરકારને પણ ખબર હોવા છતાં અગાઉથી જ કોઈ નિર્ણય કેમ શિક્ષણ મંત્રી લઈ નથી રહ્યા?

મધ્યમ વર્ગને ઘર ચલાવવાના ફાંફાં
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી એજ્યુકેશનને બિઝનેસ બનાવી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર ઊભી થઈ ગયેલી મોટી મોટી ખાનગી શાળાઓ દ્વારા હજારોને લાખોમાં ફી વસૂલવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસના કારણે મોટા ભાગે તો શાળાઓ ચાલુ રહી જ નથી અને વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે ત્યારે હવે ફરી નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મૂંઝવણમાં પડ્યા છે. આવા સમયમાં જ્યાં લોકોને ઘર ચલાવવાના ફાંફાં પડી રહ્યા છે ત્યારે શાળાઓની ફી મામલે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #gujarat education #school fees

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button