યાસ વાવાઝોડું : પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ, હવે ઝારખંડ પર ખતરો
ઓડિશામાં કેટલાક જિલ્લાઓમાં યાસ વાવાઝોડાના પગલે જળબંબાકાર
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ બુધવારે સવારે અંદાજે નવ વાગ્યે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને તેની પાસેના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં ટકરાયું હતું.
સવારે 10.30થી 11.30 વાગ્યા વચ્ચે વાવાઝોડું બાલાસોર પહોંચ્યું, જ્યાં પવનની ગતિ 130-140 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે હતી.
હવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે યાસ વાવાઝોડાની અસર બપોરે 1.30 વાગ્યા સુધી હતી, બાદમાં આ તોફાનમાં તબદીલ થઈને ઝારખંડ તરફ આગળ વધ્યું, જ્યાં તે અડધી રાતે પહોંચે તેવી શક્યતા છે.
ભુવનેશ્વરમાં હવામાન વિભાગ કેન્દ્રના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તોફાન ઓડિશાથી આગળ વધી ચૂક્યું છે, પણ માછીમારોને સાગરમાં બુધવાર આખા દિવસ સુધી ન જવાની ચેતવણી અપાઈ છે.
તેમણે જણાવ્યું કે આ પસાર થઈ ગયું છે, પણ ગુરુવાર સુધી વરસાદ રહેશે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશા પ્રભાવિત
વાવાઝોડામાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્ય પ્રભાવિત થયાં છે.
ઓડિશામાં બાલાસોર, ભદ્રક, જગતસિંહપૂર અને કેન્દ્રપાડા પ્રભાવિત થયા છે, તો પશ્ચિમ બંગાળના દક્ષિણી અને ઉત્તરી 24 પરગણા, દિગહા, પૂર્વ મિદનાપુર અને નંદીગ્રામ પર ખાસ અસર થઈ છે.
કોલકાતાના 13 નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.
ઓડિશાએ પોતાને ત્યાં 5.8 લાખ લોકોને અને પશ્ચિમ બંગાળે 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું કે ચક્રવાતી તોફાન યાસને કારણે રાજ્યમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ થઈ ગયાં છે અને તેનાથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તો સમાચાર એજન્સી એએફપી અનુસાર, પશ્ચિમ બંગાળના દિઘામાં બે લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોનાં મોત થયાં છે.
રેલ અને હવાઈ વ્યવહાર પર અસર
યાસને કારણે હવાઈ અને રેલવ્યવહાર પણ અસર થઈ છે.
પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુર, તો ઓડિશામાં ભુવનેશ્વર, ઝારસુગુડા અને રાઉરકેલામાં ઉડાનો રદ કરાઈ છે.
ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે હવામાનની સમીક્ષા બાદ ઉડાનોને લઈને નિર્ણય લેવાશે, ત્યાં સુધી ઍરપૉર્ટનું સમારકામ કરવાનું કહેવામાં આવ્યું છે.
તો ભારતીય રેલવેએ કહ્યું કે 29 મે સુધી 30 પેસેન્જર ટ્રેનોને રદ કરાઈ છે.
ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર રેલવેએ નિવેદન જાહેર કરીને કહ્યું કે દક્ષિણ તરફ જનારી 38 ટ્રેનો અને કોલકાતા જનારી યાત્રી ટ્રેનોને 24થી 29 મે સુધી રદ કરાઈ છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન હળવું થઈને આગળ વધી ગયું છે, પણ બંને રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આજે અને કાલે પણ ભારે વરસાદની શક્યતા છે.
#nsnews #naitik samachar #yaas cyclone