ખેડૂત આંદોલન : છ મહિનાથી વિવાદમાં સમાધાન કેમ નથી નીકળતું?

26 નવેમ્બર 2020- પંજાબ, હરિયાણા અને યુપીના હજારો ખેડૂતોનું જૂથ દિલ્હી બૉર્ડર પહોંચ્યું.
નેશનલ હાઇવે ખોદી નાખ્યો, ઠંડી રાતોમાં પાણીના ફુવારા છોડવામાં આવ્યા જેથી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે.
ત્યારપછી ખેડૂતો દિલ્હીની જુદીજુદી સરહદો પર જ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધ પ્રદર્શન પર બેસી ગયા.
26 મે, 2021 – હવામાન બદલાઈ ગયું. ધગધગતો ઉનાળો આવ્યો. આંદોલનના છ મહિના અને નરેન્દ્ર મોદી સરકારનાં સાત વર્ષ પૂરા થયાં. ખેડૂતોના યુનિયન સંયુક્ત મોરચાએ 26 મેને ‘કાળા ઝંડા’ દિવસ જાહેર કર્યો છે.
તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે કૃષિકાયદા અંગે ખેડૂતો સાથે નવેસરથી વાતચીત શરૂ કરવામાં આવે, નહીંતર આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે.
કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનું આ આંદોલન વાસ્તવમાં સપ્ટેમ્બર 2020થી જ પંજાબ અને હરિયાણામાં ચાલુ હતું. પરંતુ ખેડૂતોને જ્યારે લાગ્યું કે તેમની વાત દિલ્હી સુધી નથી પહોંચી રહી, ત્યારે તેમણે નવેમ્બરના અંતમાં દિલ્હી તરફ કૂચ કરી.
સૌથી લાંબું ચાલેલું આંદોલન
છેલ્લા ચાર મહિનાથી સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે કોઈ સંવાદ નથી થયો.છેલ્લા છ મહિનાથી ખેડૂતોએ રસ્તા પર બનેલા તંબુ અને ટ્રૉલીઓને જ પોતાનાં રહેઠાણ બનાવ્યાં છે.
સ્વતંત્ર ભારતનું આ સૌથી લાંબું ચાલેલું આંદોલન છે, પરંતુ તેની શરૂઆત કેવી રીતે થઈ, આ છ મહિનામાં આંદોલનમાં કેવા વળાંક આવ્યા, તે આ રિપોર્ટમાં વાંચો.
21 મે, 2021ના રોજ 40 ખેડૂતોના સંગઠન સમૂહ સંયુક્ત કિસાન મોરચાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો અને તાત્કાલિક ખેડૂતો સાથે નવેસરથી વાતચીત શરૂ કરવા જણાવ્યું.
આ પત્રમાં લખ્યું છે, “સરકાર તરફથી કરવામાં આવેલી વાતચીતમાં ખેડૂતોએ પૂરતો સહયોગ આપ્યો છતાં, સરકાર અમારી લઘુતમ માગણીઓ અને ચિંતાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. કોઈ પણ લોકતાંત્રિક સરકારે ખેડૂતોના નામે લાવવામાં આવેલા આ કાયદાને અત્યાર સુધીમાં રદ કર્યા હોત.”
બીબીસી સાથે વાત કરતા સંયુક્ત કિસાન મોરચાના નેતા દર્શનપાલ સિંહ જણાવે છે, “26 મેના રોજ અમે બુદ્ધપૂર્ણિમાની પૂજાથી શરૂઆત કરીશું. જ્યાં પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યાં અમે સરકારના કાળા કાયદા વિરુદ્ધ કાળા ઝંડા ફરકાવીશું. અમે પંજાબમાં રેલી કાઢી રહ્યા છીએ, પરંતુ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ જોતા અમે રેલી કે પરેડ નહીં કાઢીએ.”
“અમે સરકાર સામે ઘણી વખત અમારી માગણીઓ મૂકી છે. હવે નરેન્દ્ર તોમર (કૃષિમંત્રી) કહે છે કે અમે કોઈ વિકલ્પ લઈને આવીએ.
“સરકાર તમારી છે. આ કામ તમારું છે. અમે અમારી માગણીઓ મૂકી છે અને તેને પકડી રાખીશું.”
“અમારી પેઢીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. 18 મહિના સુધી કાયદાનો અમલ રોકવાથી કંઈ નહીં થાય.”
છેલ્લા ચાર મહિનાથી સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે કોઈ સંવાદ નથી થયો. સરહદ પર ખેડૂતો હજુ પણ આંદોલન કરી રહ્યા છે.
પરંતુ તે ન્યૂઝ ચેનલ અને સરકારના એજન્ડાથી બિલકુલ બહાર હોય તેમ લાગે છે.
ભારતીય કિસાન યુનિયનના ધર્મેન્દ્ર મલિકે યુપીના ગાઝીપુર બૉર્ડર પર પ્રદર્શન ચાલુ રાખ્યાં છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, “મે કોરોનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને અહીં આવવાની મનાઈ કરી છે. પરંતુ આ વખતે દરેક ગામમાં કાળા વાવટા ફરકાવીશું.”
સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદ ઘટી ગયો છે એવું નથી. સંખ્યાના હિસાબે જોવામાં આવે તો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતના 11 રાઉન્ડ યોજાયા છે.
પરંતુ તેનું કોઈ પરિણામ નથી મળ્યું. આ 11 બેઠકોમાં શું થયું તે તબક્કા વાર સમજવું જરૂરી છે.
14 ઑક્ટોબર, 2020
નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યું હતું કે એમએસપી ચાલુ જ રહેશે, દરેક ચીજને કાયદામાં લખી શકાય નહીં.સપ્ટેમ્બર 2020માં કૃષિને લગતા કાયદા પસાર થયા અને પંજાબમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું.
ખેડૂતોએ રેલ રોકી જેથી થર્મલ પ્લાન્ટમાં કોલસાના પુરવઠાને અસર થઈ. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 14 ઑક્ટોબરે ખેડૂતોને બેઠક માટે આમંત્રિત કર્યા.
29 ખેડૂત નેતાઓ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા પણ આ બેઠકમાં સરકાર તરફથી કૃષિ સચિવ સંજય અગ્રવાલ સામેલ થયા. તેથી ખેડૂતો નારાજ થયા અને પોતાની માગણીઓની એક યાદી સંજય અગ્રવાલને સોંપીને બેઠકમાંથી નીકળી ગયા.
ખેડૂતો ઇચ્છતા હતા કે કમસે કમ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે વાતચીતમાં સામેલ થવું જોઈએ.
ત્યારપછી 13 નવેમ્બર, 2020ના રોજ ખેડૂત નેતાઓને ફરી એક વખત મંત્રણા માટે બોલાવવામાં આવ્યા. આ વખતે સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ બેઠકમાં સામેલ થયા હતા.
250 ખેડૂત જૂથોના સંગઠન ઑલ ઇન્ડિયા સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીએ આ બેઠક પછી એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે સરકારે દરેક ખેડૂત માટે એમએસપીની ગૅરંટીની માગને ગંભીરતાથી લીધી ન હતી. આ બેઠક પણ નિષ્ફળ રહી.
પહેલી ડિસેમ્બર, 2020
બીજા તબક્કાની બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી નરેન્દ્રસિંહ તોમર, પીયૂષ ગોયલ અને સોમપ્રકાશ (વાણિજ્ય રાજ્યમંત્રી) સામેલ થયા. બીજી તરફ ખેડૂતો તરફથી 35 નેતા સામેલ થયા હતા.
કેન્દ્ર સરકાર તરફથી પાંચ સભ્યની સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તેમાં અધિકારીઓ, કૃષિક્ષેત્રના નિષ્ણાતો અને કેટલાક ખેડૂત નેતાઓને સમાવવાની વાત હતી. એવું જણાવાયું કે કૃષિ કાયદાને લગતી જે ચિંતાઓ છે તેનો ઉકેલ લાવવા માટે આ સમિતિ પ્રયાસ કરશે.
ખેડૂતોએ આ સમિતિની રચનાનો પ્રસ્તાવ ફગાવી દીધો. તેમણે સંસદનું વિશેષ સત્ર બોલાવીને આ ત્રણેય કાયદા પાછા ખેંચવાની માગણી કરી.
ત્રીજી ડિસેમ્બર, 2020
અનેક રાઉન્ડની વાતચીત પછી પણ કૃષિકાયદાઓને લઈને કોઈ ઉકેલ આવ્યો નથી.આઠ કલાક ચાલેલી લાંબી બેઠકમાં સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત અટકી ગઈ, કારણ કે ખેડૂતો આ કાયદા રદ કરવાની માગ પર અડગ હતા. ખેડૂતોએ સરકારી ચા-નાસ્તાને પણ હાથ લગાડવાનો ઇનકાર કર્યો.
આ અગાઉ નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યું હતું કે એમએસપી ચાલુ જ રહેશે, દરેક ચીજને કાયદામાં લખી શકાય નહીં.
આ બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્રસિંહે કહ્યું કે તેઓ ખેડૂતોની પાંચ માગણીઓ પર વિચાર કરશે જે આ પ્રમાણે છેઃ ખાનગી વેપારીઓ પર સરકારી મંડીની જેમ શુલ્ક લાગુ થાય, માત્ર રજિસ્ટર્ડ વેપારી જ ખરીદી કરી શકે, વિવાદનો ઉકેલ કોર્ટમાં લાવવામાં આવે, લઘુતમ ટેકાના મૂલ્યની ખાતરી આપવી અને વીજળીને લગતા કાયદા પર પુનઃવિચારણા કરવામાં આવે.
પાંચ ડિસેમ્બર, 2020
ખેડૂતો કૃષિકાયદાઓને પાછા લેવાની માગ પર અડગ રહ્યા.ચાર કલાકની બેઠક બાદ ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓએ ખેડૂતનેતાઓ સાથે વાતચીત કરવા માટે સમય માગ્યો જેથી આગામી બેઠક સુધીમાં ખેડૂતો સામે ફાઇનલ પ્રસ્તાવ મૂકી શકાય.
કૃષિમંત્રી તોમરે જણાવ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે ખેડૂતો તરફથી નક્કર સૂચન રજૂ કરવામાં આવે. ખેડૂતોના સહયોગથી જ કોઈ પરિણામ સુધી પહોંચી શકાશે.
આ ઉપરાંત તોમરે કિસાન યુનિયનના નેતાઓને દિલ્હીની અતિશય ઠંડીને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રદર્શનમાંથી ઘરે પાછા મોકલી દેવા જણાવ્યું હતું.
આઠ ડિસેમ્બર, 2020
આ બેઠક અગાઉ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. મોડી રાતે થયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા. તેમાં ખેડૂતોને 22 પાનાંનો પ્રસ્તાવ આપવામાં આવ્યો.
તેમાં એમએસપી અંગે આશ્વાસન આપવામાં આવ્યું. સાથેસાથે સરકારે સ્પષ્ટતા કરી કે આ કાયદાથી મંડીઓ (માર્કેટ યાર્ડ) નબળી નહીં પડે. પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો અને આંદોલન જારી રાખવાની વાત કરી.
30 ડિસેમ્બર, 2020
આ બેઠકમાં સરકાર ખેડૂતોની બે માગણી માનવા તૈયાર થઈ. પ્રથમ, વીજ સંશોધન કાયદો 2020ને પાછો ખેંચવાની માગ અને બીજી, પરાળ બાળનારાઓને કરવામાં આવતો ભારે દંડ રદ કરવાની માગ.
પરંતુ સંયુક્ત કિસાન મોરચાએ આ બેઠક પછી કહ્યું કે સરકારે ત્રણેય કૃષિકાયદાને પાછા ખેંચવા અને એમએસપી પર કાયદો બનાવવાને એજન્ડાનો હિસ્સો બનાવવો જ પડશે. આ મુખ્ય માગણીઓ વગર વાત આગળ નહીં વધી શકે.
4 જાન્યુઆરી, 2020
નવા વર્ષની પ્રથમ બેઠક ચાર કલાક સુધી ચાલી. તેમાં ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે કાયદા પાછા ખેંચવાથી ઓછું તેમને કંઈ જોઈતું નથી. ખેડૂતોએ લંચના સમયે મંત્રાલયનું ભોજન પણ ન કર્યું અને પોતાની સાથે જે પરાઠા લાવ્યા હતા તે ખાધા. આ બેઠક પછી નરેન્દ્ર તોમરે જણાવ્યું કે, “તાળી બે હાથે વાગે છે.”
દેખીતી રીતે જ તેમનો ઇશારો ખેડૂતો તરફ હતો. તેઓ કહેવા માગતા હતા કે ખેડૂતો સુલેહ તરફ આગળ નથી વધી રહ્યા.
ભારતીય કિસાન યુનિયનના નેતા યુદ્ધવીર સિંહે આ બેઠક પછી મીડિયાને જણાવ્યું, “મંત્રીજી ઇચ્છતા હતા કે સંપૂર્ણ કાયદાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે આખો કાયદો જ રદ કરવામાં આવે, તો પછી આ બિંદુઓ પર ચર્ચા કરવાનો સવાલ જ ક્યાં છે?”
આ બેઠક પછી સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ વધતો ગયો.
8 જાન્યુઆરી, 2020
આ વખતે ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે ‘કાનૂનવાપસી’ થાય ત્યારપછી જ ‘ઘરવાપસી’ થશે.
પરંતુ સરકારે કાનૂનને સંપૂર્ણપણે પાછો ખેંચવાનો ઇનકાર કરી દીધો. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ખેડૂતોનો એક મોટો હિસ્સો આ કાયદાની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે પ્રદર્શન કરતા ખેડૂતોએ આખા દેશનો વિચાર કરવો જોઈએ.
તેમણે જણાવ્યું, “સરકાર વારંવાર એમ કહેતી રહી છે કે શું કાયદો પાછો ખેંચવા સિવાય બીજું કોઈ સૂચન છે? તો સરકાર તેના પર વિચાર કરવા તૈયાર છે. પરંતુ ખેડૂતો તેને પાછા ખેંચવાની વાત પર અડગ રહ્યા. કોઈ નિર્ણય ન લઈ શકાતા અમે 15 જાન્યુઆરીએ આગામી બેઠક નક્કી કરી છે.”
પરંતુ તે અગાઉ 11 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી અને નવા કાયદા પર અલગથી આદેશ આવે ત્યાં સુધી રોક લગાવવામાં આવી. ત્યારપછી એક સમિતિની રચના કરવામાં આવી, જેનું કામ બંને પક્ષને સાંભળીને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનું હતું.
15 જાન્યુઆરી, 2020
આ બેઠકમાં સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે કોઈ વાતચીત ન થઈ શકી.
નરેન્દ્ર તોમરે જણાવ્યું કે “સરકાર સુપ્રીમ કોર્ટના સમિતિ રચવાના નિર્ણયને આવકારે છે. સરકાર પોતાની વાત આ સમિતિ સમક્ષ મૂકશે. અમે સંવાદ દ્વારા વિવાદ ઉકેલવા માગીએ છીએ.”
20 જાન્યુઆરી, 2020
આ બેઠકમાં સરકાર તરફથી કૃષિકાયદા પર દોઢ વર્ષ સુધી રોક મૂકવાનો પ્રસ્તાવ રખાયો હતો. સાથેસાથે એમ પણ કહેવામાં આવ્યું કે આ દરમિયાન એક સમિતિ (જેમાં સરકારના લોકો અને ખેડૂત નેતાઓ સામેલ હશે) આના પર ચર્ચા કરીને કોઈ ઉકેલ શોધશે. આ ઉપરાંત સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરીને પોતાના ઘરે જતું રહેવું જોઈએ.
ખેડૂતો તરફથી તરત આ પ્રસ્તાવનો જવાબ આપવામાં ન આવ્યો, પરંતુ પરસ્પર વાતચીત માટે સમય માગવામાં આવ્યો.
ખેડૂતોએ 21 જાન્યુઆરીએ પત્રકારપરિષદ યોજીને જણાવ્યું કે “પાંચ કલાક ચાલેલી બેઠકમાં સરકારે કૃષિકાયદા પર એકથી દોઢ વર્ષ સુધી રોક લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમે તેને ફગાવી દઈએ છીએ. પરંતુ 22 જાન્યુઆરીની બેઠક સરકારે નક્કી કરી છે તેથી અમે તેમાં સામેલ થઈશું.”
22 જાન્યુઆરી, 2020
આ બેઠકમાં ખેડૂતોએ કાયદાને દોઢ વર્ષ સુધી અટકાવી રાખવાની સરકારની દરખાસ્ત ફગાવી દીધી. તેમણે કાયદાને સંપૂર્ણપણે રદ કરવાની માગણી નવેસરથી મૂકી.
ત્યારપછી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ વાતચીત નથી થઈ.
‘ખાલિસ્તાની’ પ્લોટનો પ્રવેશ
સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે વાતચીત ચાલતી હતી તે દરમિયાન નેશનલ તપાસ એજન્સી એનઆઈએએ આ વિરોધ-પ્રદર્શનમાં ખાલિસ્તાની ફંડિંગના એન્ગલની તપાસ શરૂ કરી. આ ઉપરાંત આંદોલનમાં સામેલ લોકોને એનઆઈએ તરફથી સમન્સ પાઠવાયા.
જે લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી તેમાં જલંધરના લેખક અને વિવેચક બલવિંદર પાલ સિંહનું નામ પણ હતું. બલવિંદર એક પત્રકાર અને કૉલેજમાં લેક્ચરર રહી ચૂક્યા છે. તેઓ સતત ખેડૂતોના આંદોલનની તરફેણમાં લખતા રહ્યા હતા. 18 ડિસેમ્બરે એનઆઇએએ તેમને હાજર થવા માટે કહ્યું.
આ ઉપરાંત એક પંજાબી ચેનલમાં કામ કરતા જસવીર સિંહને સમન્સ પાઠવાયા.
હોશિયારપુરના રહેવાસી કરનૈલ સિંહ, બરનાલાના વતની સુરેન્દર સિંહ ઠીકરીવાલા, લુધિયાણાના ઇંદરપાલ સિંહને પણ નોટિસ ફટકારવામાં આવી.
તેમને 15 જાન્યુઆરીની એફઆઈઆર ક્રમાંક 40/2020 હેઠળ બોલાવવામાં આવ્યા હતા જે પ્રતિબંધિત સંસ્થા ‘શીખ ફૉર જસ્ટિસ’ બબ્બર ખાલસા ઇન્ટરનેશન, ખાલિસ્તાન ટાઇગર ફોર્સ જેવી સંસ્થાઓના નામે દાખલ કરવામાં આવી હતી.
એનઆઈએએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ સંસ્થાઓ ખેડૂત આંદોલનમાં ઘૂસી ચૂકી છે અને દેશમાં ભય અને સરકાર વિરુદ્ધ બળવાનું વાતાવરણ પેદા કરી રહી છે.
એનઆઈએના કહેવા પ્રમાણે આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે વૈશ્વિક સ્તરે ભારતની છબિ ખરાબ કરવા માગે છે. તાજેતરમાં જ અમેરિકા, બ્રિટન, કૅનેડા અને જર્મનીમાં ભારતના દૂતાવાસો બહાર થયેલા વિરોધ-પ્રદર્શનો આ ષડયંત્રનો હિસ્સો છે.
જંગી ફંડ એકત્ર કરીને બિનસરકારી સંસ્થાઓ મારફત ભારતમાં ખાલિસ્તાન સમર્થિત જૂથોને મોકલવામાં આવે છે જેથી દેશમાં આતંક મચાવી શકાય.
આ સંસ્થાઓને પ્રતિબંધિત કરવામાં આવેલી છે અને આ મામલે એનઆઈએએ યુએપીએની કલમો સામેલ કરી છે. જોકે અત્યાર સુધીમાં આ મામલે તપાસમાં શું બહાર આવ્યું છે, તપાસ ક્યાં પહોંચી છે, આ અંગે એનઆઈએ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.
26 જાન્યુઆરી 2021
ખેડૂતોએ ગણતંત્રદિવસે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરી હતી. આ રેલીની મંજૂરી માટે દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ હતી. ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બૉર્ડર પરથી દિલ્હીમાં અમુક કિલોમીટર સુધી દાખલ થશે અને પછી પોતાનાં પ્રદર્શનસ્થળોએ પાછા જતા રહેશે એવું નક્કી થયું.
પરંતુ જ્યારે પરેડ કાઢવામાં આવી ત્યારે કેટલાક ઉગ્ર લોકો પહેલેથી નિર્ધારિત રસ્તો છોડીને સેન્ટ્રલ દિલ્હીમાં દાખલ થયા. દિલ્હી પોલીસના હેડક્વાર્ટર નજીક આઈટીઓ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટક્કર થઈ.
પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા. આ ઉપરાંત લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો અને પ્રદર્શન કરતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.
આઈટીઓ પર એવું લાગતું હતું કે પોલીસની તહેનાતી ઓછી હતી જ્યારે તેમની તુલનામાં ઉગ્ર પ્રદર્શનકારીઓની સંખ્યા વધારે હતી. ત્યારપછી પ્રદર્શનકારીઓનો એક સમૂહ લાલ કિલ્લા પર પહોંચ્યો. આ સમૂહમાં યુવાનો મોટી સંખ્યામાં હતા. તેમાંથી કેટલાક લોકોએ લાલ કિલ્લા પર શીખ ધર્મના નિશાન સાહેબનો ઝંડો ફરકાવ્યો.
આ દરમિયાન લાલ કિલ્લા પર દીપ સિંહ સિંધુ હાજર હતા. તેમણે એક વીડિયો જારી કરીને પોતાની આ હરકતને યોગ્ય ઠરાવી. તેમણે કહ્યું કે આ માટે તેમણે તિરંગાને નીચે ઉતાર્યો ન હતો.
ખેડૂતનેતાઓએ કહ્યું કે આ હિંસક અથડામણમાં કોઈ ખેડૂતો સામેલ ન હતા. તેમણે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો અને મામલાની તપાસમાં સહયોગ આપવાની વાત કરી.
26 જાન્યુઆરીની હિંસા મામલે દિલ્હી પોલીસે 44 એફઆઈઆર દાખલ કરી અને 127 લોકોની ધરપકડ કરવામાં આવી. ઘટનાના 12 દિવસ પછી 9 જાન્યુઆરી, 2021ના રોજ કરનાલથી દીપ સિંધુની ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી વખતે દીપ સિંધુએ અભિનેતાથી નેતા બનેલા ભાજપના સાંસદ સની દેઓલ માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો. જોકે આ ઘટના પછી સની દેઓલે પોતાની જાતને દીપ સિંધુથી અલગ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટની સમિતિ અને વિવાદ
11 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિ બનાવી જેને સરકાર અને ખેડૂતો સાથે વાત કરીને એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપાયું હતું.
તેમાં ભારતીય કિસાન યુનિયનના ભુપિન્દરસિંહ માન, શેતરાકી સંગઠનના અનિલ ધનવત, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને ડૉક્ટર પ્રમોદકુમાર જોશીને સામેલ કરવામાં આવ્યા હતા.
પરંતુ આ નામ જાહેર થતા જ આ સમિતિ અંગે વિવાદ શરૂ થયો. વાસ્તવમાં આ તમામ લોકો ભૂતકાળમાં સરકારના કૃષિકાયદાના ટેકામાં પોતાના અભિપ્રાય આપી ચૂક્યા હતા. તેથી આ સમિતિની તટસ્થતા અંગે સવાલ પેદા થયા.
વિવાદ વકર્યો ત્યારે ભુપિન્દરસિંહ માને પોતાની જાતને આ સમિતિથી અલગ કરી દીધી અને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું. તેથી આ સમિતિમાં માત્ર ત્રણ સભ્યો રહી ગયા હતા.
#nsnews #naitik samachar #farmer strike #panjab faarmer strike