ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ ફરી લંબાવાયો, વેપારીઓને નિયંત્રણમાં આંશિક રાહત
ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અને કર્ફ્યુને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુને લંબાવાયો છે. આ શહેરોમાં 28 મેથી રાતના 9 વાગ્યાથી 4 જૂન સુધી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રાખવાનું જાહેરનામું બહાર પડાયું છે.
તેના માટે જાહેરનામામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસમાં થતા ઘટાડાનું કારણ આપવામાં આવ્યું છે.
કેટલાંક નિયંત્રણો અગાઉની જેમ જ રાખવામાં આવ્યાં છે, તો કેટલાકમાં આંશિક છૂટ આપવામાં આવી છે.
મહામારીમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ?
રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેવાં શહેરોમાં કેટલાંક નિયંત્રણોમાં ફેરફાર પણ કરાયો છે.
જેમ કે તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, શૉપિંગ કૉમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
રેસ્ટોરાં સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી માટેની સુવિધા ચાલુ રાખી શકાશે.
તો અઠવાડિક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો (ઑનલાઇન શિક્ષણ સિવાય) સિનેમાઘર, થિયેટરો, જિમ, સ્વિમિંગ-પૂલ વગેરે બંધ રહેશે.
તેમજ બીમાર વ્યક્તિ, સગર્ભા, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ આપવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં.
અનિવાર્ય સંજોગોમાં વ્યક્તિ તેમનું ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારને લગતા કાગળ અને અન્ય પુરાવા આપીને અવરજવર કરી શકશે.
મુસાફરોએ રેલવે, ઍરપૉર્ટ, એસટી કે સિટી બસની ટિકિટ રજૂ કરવાથી તેમને અવરજવરની પરવાનગી આપવામાં આવશે.
આ સમય દરમિયાન લગ્ન માટે ખુલ્લા અને બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓને મંજૂરી મળશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ ચાલુ રહેશે.
અંતિમક્રિયા-દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓને મંજૂરી છે.
તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડા સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકો વિના સ્પૉર્ટ્સ કોમ્પલેક્સ, સ્પૉર્ટ્સ સ્ટેડિયમ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
#nsnews #naitik samachar #latest news #Gujarat latest news #Night curfew #Ahmedabad news #Amc #Section 144 Applies in gujarat