થિયેટર, મલ્ટિપ્લેક્સ અને જિમને પણ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ અપાતા કોર્પો. ૧૦.૬૭ કરોડની આવક ગુમાવશે

વડોદરા: હોટેલ, રિસોર્ટસ, રેસ્ટોરાં અને વોટર પાર્કસની સાથેસાથે સિનેમાઘર, મલ્ટિપ્લેક્સ અને જિમને પણ પ્રોપર્ટી ટેક્સમાંથી ૧૨ મહિનાના સમયગાળા માટે સંપૂર્ણ મુક્તિ અપાતા વડોદરા કોર્પોરેશનને આશરે ૧૦.૬૭ કરોડની આવક ગુમાવવી પડશે.
અગાઉ રહેણાંક અને ધંધાદારી મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં ૨૪.૪૨ કરોડની રાહત અપાઇ છે. કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષમાં આવકનો ટાર્ગેટ પૂર્ણ કરવો મુશ્કેલ થશે.
તા.૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી રાજ્યમાં તમામ સિનેમાઘર, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમને પણ વીજળીના બિલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે તેની સાથેસાથે પ્રોપર્ટી ટેક્સમાંથી પણ મુક્તિ અપાઇ છે. કોરોના સંક્રમણના કાળમાં ધંધારોજગારીને રાહત આપવા અને આ વ્યવસાય પુનઃ બેઠો થાય તે માટે મુક્તિ આપવા નિર્ણય થયો છે. સરકારે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરાં અને વોટર પાર્કને પણ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની ઘોષણા કરી છે.
દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા અને કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે સમગ્ર સભામાં દરખાસ્ત રજૂ કરીને લઘુઉદ્યોગ ચલાવતા લોકો અને સામાન્ય નાગરિકોને પણ એક વર્ષ વેરામાંથી તથા વીજબિલમા ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવા કહ્યું છે. શહેરમાં આવેલા તમામ ઘરવેરા, દુકાનવેરા માફ કરવા ઉપરાંત કલબો, મેરેજ હોલ, ફરાસખાનાના ધંધાર્થીઓને મિલકત વેરામાંથી એક વર્ષ મુક્તિ આપવા તેમજ લારીગલ્લા-પથારાવાળાઓ અને નાના ધંધાર્થીઓ પાસેથી લેવાતો વહીવટી ચાર્જ આ વર્ષમાં નહીં લેવો તેવી માગ સાથે દરખાસ્ત મૂકી છે.