રાજ્ય સરકારનો અસંવેદનશીલ નિર્ણય કોરોનામાં હવે અનાથ થયેલા બાળકોને નહીં મળે આ લાભ જાણો કોને મળશે લાભ
કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક અસંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં અનાથ બાળકો માટે રાજ્ય સરકારે બાલ સેવા યોજના શરૂ કરી હતી તે યોજના બંધ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બાલ સેવા યોજના અંતર્ગત એક બાળક દીઠ અંદાજે 4 હજાર રુપિયાનું ભરણપોષણ અપાતું હતું. અનાથ બાળકો માટે અરજીઓ વધતા રાજ્ય સરકારે આ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે.
અન્ય કારણોસર અનાથ બનેલા બાળકોની અરજી વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોરોના ઘટતા અને કોરોનાને બદલે અન્ય કારણોસર મૃત્યુ પામેલા વાલીઓના અનાથ બાળકો માટે અરજીઓ વધતા રાજ્ય સરકારે યોજના બંધ કરી છે. અકસ્માત, ડાયાબિટીશ, આત્મહત્યા, દારૂનું વ્યસન વગેરે કારણોથી પણ અવસાન થયેલાની સંખ્યા વધુ હોવાને લઇને રાજ્ય સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આવાં જ સંતાનોને સહાય મળશે
કોરોના કાળ શરૂ થયો ત્યારથી ૩૦-૦૬-૨૧ સુધીમાં જે બાળકોના માતા-પિતા અથવા એક વાલી કોરોના અથવા અન્ય ગંભીર બિમારીના કારણે મૃત્યુ પામેલા હોય તેવાં જ સંતાનોને સહાય મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને તેઓની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દીઠ રૂપિયા 4 હજારની માસિક સહાયતા આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અન્ય કારણોસર અનાથ બનેલા બાળકોની અરજી વધતા રાજ્ય સરકારે આ યોજના બંધ કરી દીધી છે. જેથી અનાથ બાળકોને હવે આ લાભ નહીં મળી શકે.
જાણો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી હતી જાહેરાત?
• ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દિઠ રૂ. ૪૦૦૦ની સહાય અપાશે
• વિદેશ અભ્યાસની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે
• માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર કન્યાઓને શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ- નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતા-હોસ્ટેલ ખર્ચ
• પુખ્તવયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. ૬૦૦૦ની સહાય અપાશે
• માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે અપાશે
• માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે.
કોરોનામાં અનાથ બાળકોને સહાય આપવા મામલે રાજય સરકારનો મોટો ખુલાસો
અત્રે નોંધનીય છે કે, કોરોનામાં અનાથ બાળકો માટે રાજ્ય સરકારે બાલ સેવા યોજના શરૂ કરી હતી તે યોજના બંધ કરવામાં આવી છે. એવી અફવા વહેતી થઇ હતી પરંતુ આ મામલે રાજ્ય સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘કોરોના કાળ દરમિયાન ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકની વય 18 વર્ષથી થતા સુધી આપવાનું યથાવત જ રહેશે.’
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવાં નિરાધાર બાળકોના ભાવિને સુરક્ષિત રાખવાની સંવેદના સાથે જુલાઇ-ર૦ર૧માં શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે કોરોના કાળ દરમ્યાન કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા બંન્નેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા ૧૦૦૦ ઉપરાંત બાળકોને માસિક રૂ. ૪ હજારની સહાય ચુકવવામાં આવેલી છે. મુખ્યમંત્રીએ આ યોજના અંગે વધુ એક સંવેદનાપૂર્ણ અભિગમ દર્શાવતાં તા.ર૮ મી જુલાઇએ એવો નિર્ણય પણ કર્યો છે કે, આવી બિમારીથી જો કોઇ બાળકના માતા કે પિતા બેમાંથી કોઇ એકનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકને પણ માસિક રૂ. ર હજારની સહાય રાજ્ય સરકાર આપશે.’
આવાં આશરે ૪ હજાર બાળકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળક દીઠ રૂ. ર હજારની સહાય ગત તા.ર ઓગસ્ટે રાજકોટ ખાતેથી DBT દ્વારા એટ વન કલીક સીધી જ બેંક એકાઉન્ટમાં સંપૂર્ણ પારદર્શિતાથી ચૂકવી પણ આપી છે તેમ પણ ઇશ્વરભાઇ પરમારે ઉમેર્યું હતું. આવી સહાય પણ બાળકની વય ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.