અમારા બોલરો જાનવર ખાય છે એટલે તેઓ ઉર્જાથી ભરપૂર છે : પાકિસ્તાન ભૂતપૂર્વ બોલર

પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતનાં ફાસ્ટ બોલરો અને પાકિસ્તાનનાં ફાસ્ટ બોલરોની તુલના અલગ તર્ક સાથે કરી છે. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તફાવત છે. ભારતમાંથી સારા ફાસ્ટ બોલર આવી રહ્યા છે, પરંતુ તમે જાેશો કે તેમનામાં વધારે ઉર્જા નથી. તેમના ચહેરા પર ગુસ્સો દેખાતો નથી. તે એટેટ્યૂડ ખૂટે છે કે હું મારી બોલિંગથી તને મારી નાખીશ.
લિજેન્ડ ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહેલા શોએબ અખ્તર ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર બ્રેટ લી સાથે ખાસ વાતચીત કરી રહ્યો હતો. આ દરમિયાન ઝડપી બોલરો પર સવાલ ઉઠ્યા હતા. તેને પૂછવામાં આવ્યું કે મોટા ભાગનાં ફાસ્ટ બોલરો પાકિસ્તાનમાંથી જ કેમ આવે છે. આના પર શોએબ અખ્તરે શું કહ્યું તે તેના માટે ચર્ચાનો વિષય બની ગયો છે. શોએબે કહ્યું- આપણી પાસે જે આદર્શો છે, ખોરાક, પર્યાવરણ, વલણ તેમજ મારા જેવા લોકો જે ઊર્જાથી ભરપૂર છે. અમે ઝડપી બોલિંગનો આનંદ લઈએ છીએ. તમે જે ખાઓ છો તે તમે બનો છો, મારો દેશ ઘણા પ્રાણીઓ ખાય છે અને તેથી જ અમે પ્રાણીઓ જેવા બની ગયા છીએ. ફાસ્ટ બોલરોની વાત આવે તો અમે સિંહની જેમ દોડીએ છીએ.
શોએબ અખ્તર અને બ્રેટ લી તાજેતરમાં જ લિજેન્ડ્સ ક્રિકેટ લીગ ૨૦૨૨માં ભાગ લઈ રહ્યા હતા. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એશિયા લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યારે બ્રેટ લી વર્લ્ડ જાયન્ટ્સનો ભાગ હતો. બંને પક્ષો શનિવારે અલ અમેરાતમાં ફાઇનલમાં ટકરાયા હતા, જેમાં જાયન્ટ્સે ૨૫ રનથી ટાઇટલ જીત્યું હતું.