.ગુજરાતમાં કોરોનાના વળતર માટે ૧ લાખથી વધારે અરજીઓ આવી, સત્તાવાર રીતે માત્ર ૧૦,૫૭૯ મૃત્યુ નોંધાયેલા

ગુજરાત સરકારને કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે હજુ પણ વધારે અરજીઓ મળી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્યએ કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તરફથી વળતર મેળવવા માટે ગુરૂવાર સુધીમાં ૧,૦૨,૨૩૦ અરજીઓ મળી હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે રાજ્ય તરફથી કોરોના મહામારીના કારણે સત્તાવાર રીતે ૧૦,૫૭૯ લોકોના મૃત્યુની નોંધણી કરવામાં આવેલી છે.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કોરોના દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવે છે તે મેળવવા માટે ૧૦ ગણા વધારે મૃત્યુનો દાવો દર્શાવતી અરજીઓ મળી રહી છે. કોવિડ મૃત્યુ વળતર મુદ્દે શુક્રવારે એપેક્ષ કોર્ટમાં સુનાવણી થવાની છે. અરજી પ્રમાણે ગુજરાતમાં કોરોના મૃત્યુ વળતર માટે ૧ લાખ કરતાં પણ વધારે અરજીઓ મળી છે અને તેમાંથી ૮૭,૦૪૫ ક્લેઈમ મંજૂર કરવામાં આવ્યા છે. આજની તારીખ સુધીમાં ૮૨,૬૦૫ દાવાઓની ચુકવણી થઈ ગઈ છે. સરકારી સત્તાધીશોએ ૮,૯૯૪ અરજીઓ નકારી દીધી છે અને ૬,૦૦૦ કરતાં પણ વધારે અરજીઓ સ્ક્રુટિનીમાં છે.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ૫,૮૬૭ બાળકો અનાથ બન્યા છે અને ૩,૨૮૭ કેસમાં વળતર આપવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાનો જે મૃતકઆંક રજૂ કરવામાં આવેલો તેની સામે વળતર માટેની અરજીઓમાં સૌથી વધારે તફાવત જાેવા મળ્યો છે જે ૧૦ ગણા જેટલો છે. જ્યારે તેલંગાણામાં આ પ્રમાણ ૮ ગણા જેટલું છે. તેલંગાણા સરકારે કોરોનાથી ૩,૯૯૩ લોકોના મૃત્યુની નોંધણી કરેલી તેના સામે વળતર માટે કુલ ૩૧,૦૫૩ અરજીઓ મળી છે. તે પૈકીની ૨૨,૮૭૩ અરજીઓ સ્વીકારવામાં આવી છે અને ૧૬,૯૬૨ કેસમાં વળતરની ચુકવણી કરી દેવાઈ છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ સરકારે ૧૪,૫૨૭ કોરોના ડેથની નોંધણી કરેલી જ્યારે વળતર માટે ૪૨,૯૨૪ અરજીઓ મળી છે અને તેમાંથી ૩૮,૦૧૫ અરજીઓ સ્વીકારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૧,૪૨,૭૦૫ કોરોના ડેથ નોંધાયેલા તેના સામે વળતર માટે ૨,૨૭,૧૦૭ અરજીઓ મળી છે જેમાંથી ૧,૩૨,૦૯૨ અરજીઓ મંજૂર થઈ છે. તમિલનાડુમાં સત્તાવાર ૩૭,૬૩૬ કોરોના ડેથ સામે ૬૧,૯૫૪ અરજીઓ મળી છે જેમાંથી ૪૭,૦૯૬ અરજીઓનો સ્વીકાર થયો છે. જ્યારે બિહાર સરકારે ૧૨,૮૫૮ સત્તાવાર મૃત્યુની નોંધણી કરી છે તેના સામે વળતર માટે ૧૧,૫૦૭ અરજીઓ મળી છે અને તેમાંથી ૧૦,૬૮૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.