કડીમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, ૨.૯ કરોડની લૂંટ મચાવીને આરોપીઓ ફરાર

કડીથી અમદાવાદ પાર્સલ ડીલેવરી કરવા જઈ રહેલા મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના કર્મચારીની ગાડીને છત્રાલથી કલોલ હાઈવે પર આવેલા ધાનોટ પાટીયા નજીક પાછળથી આવી રહેલ અન્ય ગાડીમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ આંતરીને રાત્રિના સુમારે રૂપિયો ૨.૯ કરોડની દિલધડક લૂંટ કરીને છત્રાલ ટોલટેક્ષ તરફ પલાયન થઈ ગયા હતા.
ચોંકાવનારી લૂંટની આ ઘટના અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતાં પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને પકડવા શોધખોળનોં ધમધમાટ શરૂ કર્યો છે.
કલોલની શારદા સોસાયટીમાં રહેતા દિલીપ શાંતિલાલ પટેલ સાતેક માસથી કડીમાં આવેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. તેને પગાર ઉપરાંત પોતાની ઈકો ગાડીનું અલગથી ભાડુ ચુકવવામાં આવે છે.બુધવારે સવારે રાબેતા મુજબ તે શહેરમાં આવેલ પ્લેટીનમ પ્લાઝા ખાતની પેઢીએ નોકરીએ ગયો હતો.જયાં સાંજના સાતેક વાગે પેઢીના મહેતાજી કનુભાઈ પ્રજાપતિએ બે પાર્સલ અમદાવાદ લઈ જવાના હોવાનું કહ્યું હતું.ત્યારબાદ,દિલીપ રૂ.૨ કરોડ ૯ લાખની રકમ ભરેલ બે પાર્સલ પોતાની ઈકો ગાડીમાં ં લઈને સાંજે અમદાવાદ જવા નિકળ્યો હતો. માર્ગમાં કડી છત્રાલ રોડ પર રાત્રીના સુમારે ધાનોટ પાટીયા પસાર કરી ઢાળ ઉતારતો હતા ત્યારે એક સફેદ કલરની સુમો ગાડીના ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા અજાણ્યા શખસે બૂમ પાડીને ઓવરટેક કરે છે તેમ કહી કારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
શંકા જતા દિલીપે પોતાની ગાડીની સ્પીડ વધારી દીધી હતી પરંતુ સુમોના ચાલકે તેનો પીછો કરીને કરણ પેપર મીલથી થોડેક દૂર આગળ આવીને ઊભી કરી દીધી હતી. બાદમાં ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ઈકોની ચાવી કાઢી લઈને પાછળનો દરવાજાે ખોલી અંદર પડેલા રૂ.૨.૯ કરોડની રકમ ભરેલ બે થેલા ઉઠાવીને ગાડીમાં નાંખી દીધા હતા. તે બાદ આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને લોખંડની પાઈપ ફટકારતા સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાથી ભયભીત બનેલા કર્મચારીએ બુમાબુમ કરી મુકતાં લૂંટારૂઓ પોતાની ગાડી લઈને ઘટના સ્થળેથી છત્રાલ ટોલ ટેક્ષ નાકા તરફ નાસી છુટયા હતા.