પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામના દિવસે મોદી ગુજરાતમાં રહેશ

પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના ૧૦ માર્ચે પરિણામો જાહેર થશે. ભારત સરકારમાં સંરક્ષણ મંત્રાલય બરાબર એ દિવસથી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો- ૨૦૨૨નો આરંભ કરી રહ્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હોવાથી ૧૦ માર્ચને ગુરૂવારે તેઓ દિલ્હી નહિ પણ અહીં ગાંધીનગરમાં ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યુ છે.
ગુજરાત વિધાનસભાની રચના માટે રાબેતા મુજબ સામાન્ય ચૂંટણી વર્ષના અંતે નવેમ્બર- ડિસેમ્બરમાં યોજવાની છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરીણામો ગુજરાતની ચૂંટણીને અસરકર્તા હોઈ શકે છે. આથી, પ્રત્યેક પાંચ વર્ષે સત્તા બદલવાનો સ્વભાવ ધરાવતા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપનો ફરીથી વિજય થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જ ગાંધીનગરથી ગુજરાતમાં ભાજપનો વિજયોત્સવ ઉજવાશે તેમ મનાય છે. અલબત્ત ભાજપ સંગઠન પહેલાથી જ માર્ચ મહિનાથી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત ખાતેના કાર્યક્રમો તૈયારી કરી રહ્યુ છે. જેમાં પંજાબના ચૂંટણી પરીણામોને આધારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત તૈયાર થશે એમ કહેતા પ્રદેશ ભાજપના ટોચના નેતાએ કહ્યુ કે, ૧૦થી ૧૩ માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સ્પો છે. આ દરમિયાન વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સુચક બની રહેશે.