ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે ચાર લાખની આર્થિક સહાય ચૂકવે તેવી માંગ. કોંગ્રેસ

• ઉત્સવો,તાયફો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે ચાર લાખની આર્થિક સહાય ચૂકવે તેવી માંગ સાથે ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોવીડ ન્યાય પદયાત્રા યોજાઈ.
• ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતની કન્યા શિક્ષણથી વંચિત થશે.
• મધ્ય પ્રદેશની ભાજપ સરકારના ‘‘વ્યાપમ કૌભાંડ’’ ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતીમાં ‘‘વ્યાપક કૌભાંડ’’ આચરવામાં આવી રહ્યું છે.
• શિક્ષક વિનાની શાળા, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત…!
આરોગ્ય-શિક્ષણ-રોજગાર સહિતના મુદ્દે નિષ્ફળ નીવડેલ ભાજપાની ભ્રષ્ટ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સેવા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની પોલ કોરોના સહાય માટે મૃતક પરિવારજનોની સહાય અરજીઓથી ગુજરાતની જનતા સામે ખુલ્લી પડી ગઈ છે. કોરોનો સહાય ચુકવણી મુદ્દે વધુ એક વાર સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપ સરકારને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે કોરોના મૃતક પરિવારજનોને આપવામાં આવતું વળતર એ કોઈ ઉપકાર નથી. મૃતકના પરિવારજનોને સહાય માટે આવેલી અરજીઓની સંખ્યાનો આંક એક લાખને આંબી ગયો છે ત્યારે સ્વજનોને કચેરીઓના ધક્કા, પ્રમાણપત્ર, ડેથ સર્ટીફીકેટમાં મૃત્યુના કારણની ખોટી નોધ, જેવા જુદા જુદા કારણોસર સહાય આપવા, વહીવટીમાં ગુચવણ,વિલંબ કરવો એ ખુબ જ ગંભીર અને ગુનાહિત બાબત છે. આ સદંતર ગેરવ્યાજબી અને અન્યાયી બાબત છે જેને કોઈપણ રીતે ચલાવી શકાય નહિ. કોરોના મૃતકોના આંકડા છુપાવી મૃત્યુ આંક માત્ર ૧૦,૫૭૯ જેટલો જાહેર કર્યો. જેની સામે ૧,૦૨૨૩૦ જેટલી સહાય અરજીઓ આવી છે. ૧૫૧૮૫ જેટલી અરજીઓને નામાંજુર કરવાના આવી છે ત્યારે આ સહાય અરજીઓ કયા કારણસર નામંજૂર કરી? સુપ્રીમ કોર્ટની લપડાક છતાં ગરીબ – સામાન્ય માણસને માહિતી મળે તે રીતે કેમ જાહેરાત-વ્યવસ્થા કરવામાં આવતી નથી? આરોગ્યશ્રેત્રે રાજ્ય સરકાર ખર્ચામાં સતત ઘટાડો કરે છે. ગુજરાત એ ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય છે.તેમ છતાં ગુજરાતમાં ગરીબ પરિવારના 12.59લાખ બાળકો કુપોષણનો શિકાર છે. રાજ્યમાં કુપોષણથી પીડાતા 58,31,837 બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ છે. ભાજપ સરકાર ગુજરાતમાં આરોગ્ય પાછળનું માથાદીઠ માત્ર રૂ.270 ખર્ચ કરે છે. એની સામે નાના રાજ્યો જેવા કે મિઝોરમમાં રૂ.1611, સિક્કીમમાં રૂ.1446, ગોવામાં રૂ.1149, હિમાચલપ્રદેશમાં રૂ.884, માથાદીઠ આરોગ્ય ખર્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં ઉત્સવો,તાયફો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે ભાજપ સરકાર મૃતક પરિવારજનોને સત્વરે ચાર લાખ આર્થિક સહાય ચૂકવે તેવી કોંગ્રેસ પક્ષે આજ રોજ ભાવનગર ખાતે કોવીડ ન્યાય પદયાત્રા યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરી હતી.
ભાજપ સરકારના શિક્ષણના ખાનગીકરણ, વ્યાપારીકરણની નીતિ અને નિયતથી સામાન્ય- મધ્યમ વર્ગને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે. શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ, યોગ્ય અમલીકરણ અને આયોજન વિનાની કામગીરી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના નાણાંની માત્ર જાહેરાતો કરે છે પરતું તે નાણાં ઉત્સવ અને તાયફો પાછળ વેડફાય છે. શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ બેન્ક પાસેથી સ્કુલ ઓફ એકસેલન્સના નામે ૫૦૦ મિલિયન ડોલરની લોન લેવા જઈ રહી છે. બીજી બાજુમાં ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ જેટલી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતની કન્યા શિક્ષણના પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જશે. રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કુલોમાં ૧૮ હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે, ૩૩૫૩ સ્કુલોમાં ૧૦,૬૯૮ વધુ ઓરડાઓની જર્જરિત હાલત છે, ૩૧ ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ગુજરાતની ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં આચાર્ય-સ્ટાફની ૪૦ ટકા જગ્યાઓ ખાલીમાં ભરતી થઇ નથી. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા જાહેરાતોમા નહિ જાહેરહિતને કેન્દ્રમાં રાખવાને બદલે ભાજપ સરકાર સ્કુલ ઓફ એકસેલન્સ અને મર્જરના નામે સૌરાષ્ટના ૧૦થી વધુ જીલ્લાઓમાં ૧૧૫૦ જેટલી શાળાઓ બંધ કરવા જઈ રહી છે જેમાં ભાવનગરની ૧૦૦ જેટલી શાળાઓ બંધ થશે. શિક્ષણના ખાનગીકરણ-વ્યાપારીકરણને પગલે “મોઘું શિક્ષણ- ઊંચી ફી” નો ભોગ ગુજરાતના નાગરીકો બની રહ્યા છે. રાજ્યમાં સરકારી – ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાંખીને ઉંચી ફી મનફાવે તેમ ઊઘરાવવ ખાનગી શાળાઓને ભાજપ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. શું આ રીતે ભણશે ગુજરાત?
ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે માત્ર રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં બેરોજગાર દર છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. પેપર ફૂટવાની ઘટનો ભાજપ સરકારના શાસનમાં સામાન્ય બની ગઈ છે. વ્યાપક પ્રમાણમાં ભરતી કૌભાંડ એ ભાજપની ઓળખ બની ગયું છે. ભાજપ-ભરતી અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ ૧, ટેટ ૨, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક, હેડ ક્લાર્ક સહિતની ૧૮ જેટલી પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ અને ૬૧થી વધુ ગેરરીતી, મેરીટમાં ઘોટાળા સામે આવ્યા છે. તલાટી ભરતી માટે ૧૫ – ૧૫ લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારના ‘‘વ્યાપમ કૌભાંડ’’ ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતીમાં ‘‘વ્યાપક કૌભાંડ’’ આચરવામાં આવી રહ્યું છે.અને ક્યાંક પરીક્ષાની જાહેરાત થાય પછી પરીક્ષાઓ સમયસર યોજાતી નથી. પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી, પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. ગુજરાતમાં ૩૪ થી વધુ વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ અને ભરતીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ – ભ્રષ્ટાચાર એ ગુજરાતના શિક્ષિત યુવાનો ભવિષ્ય માટે ખુબ ચિંતાજનક છે. સરકારી ભરતીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો, જી.પી.એસ.સી, ગુજરાત ગૌણ સેવા આયોગ, ગુજરાત પંચાયત પસંદગી મંડળમાં સરકારી નોકરી માટેના ભાવો ૧૫ થી ૧૮ લાખ સુધીના બોલાય છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના ૯.૫ લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બધ કરે.
ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખશ્રી પ્રકાશ વાઘાણી, જીલ્લા પ્રમુખશ્રી પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર મ્યુનિ.કોર્પો. નેતાશ્રી ભરતભાઈ બુધેલીયા, સહીત શહેર જીલ્લા કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, ભાઈ-બહેનો કોવીડ ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા