મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન, આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હતા

બોલિવૂડ બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. બી.આર.ચોપરાની પૌરાણિક પ્રસિદ્ધ સિરિયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે.પંજાબના પ્રવીણને ભીમના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.તેમના નિધનના સમાચાર સાંભળીને ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રવીણ કુમાર સોબતી તેમના મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા, તેમણે સરકારને મદદ માટે અપીલ પણ કરી હતી. ટીવીની સાથે પ્રવીણે રમત જગતમાં પણ ધૂમ મચાવી હતી. અભિનય કરતા પહેલા, પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રો એથ્લેટ હતા અને એશિયન ગેમ્સમાં તેમણે ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ જીત્યો હતો. એટલું જ નહીં, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને તેમણે દેશનું સન્માન પણ વધાર્યું હતું, એટલું જ નહીં વર્ષ ૧૯૬૭માં તેને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
તેમનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ પંજાબમાં થયો હતો. પ્રવીણ શોટ થ્રો અને ડિસ્કસ થ્રો એટલે કે હેમર અને ડિસ્ક થ્રોમાં નંબર વન ખેલાડી રહ્યા છે. રમતગમતના કારણે જ પ્રવીણ કુમારને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી. અમિતાભ બચ્ચનની ફિલ્મ શહનશાહમાં મુખ્તાર સિંહનું પાત્ર પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. તે કરિશ્મા કુદરત કા, યુદ્ધ, જબરદસ્ત, સિંહાસન, ખુદગર્જ, લોહા, મોહબ્બત કે દુશ્મન જેવી અન્ય ઘણી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા.
પ્રવીણે વર્ષ ૨૦૧૩માં રાજનીતિમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેઓ આમ આદમી પાર્ટી વતી વજીરપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અહીં હારી ગયા હતા. હાર બાદ પ્રવીણ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા.
થોડા સમય પહેલા પ્રવીણે પંજાબ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ખેલાડી એશિયન ગેમ્સ રમે છે અથવા મેડલ જીતીને આવે છે ત્યારે તેને પેન્શન મળે છે. પરંતુ તેમને આવું કંઈ મળ્યું ન હતું. પ્રવીણ પોતાની નારાજગીને કારણે ઘણી ચર્ચામાં રહ્યા હતા.