૪૯ આરોપીઓ દોષિત, ૧૬ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ ૨૦૦૮ મામલે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેમાં પુરાવાના અભાવે ૭૭ માંથી કુલ ૧૬ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તો ૪૯ દોષી જાહેર થતાં તમામ આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી સજા ફરમાવવામાં આવશે.
આ કેસના મુખ્ય સરકારી વકીલે જણાવ્યું હતું કે, ૨૦૦૮થી અત્યાર સુધી અનેક વિગતો તપાસમાં બહાર આવી છે તથા આ મામલે જુદી જુદી ૫૦૦થી વધુ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેને તમામ ગુનાઓનો અભ્યાસ કરીને એક ચાર્જશીટ તરીકે તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
સરકારી વકીલે જણાવ્યું કે, સિરિયલ બ્લાસ્ટ મામલે ૨૦૦૮થી અત્યાર સુધી તપાસમાં કુલ ૧૧૬૩ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જે પૈકી માત્ર બાર સાક્ષીઓએ પોતાના નિવેદન બદલ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં ખાસ ચાર જેટલા સરકારી વકીલ હતા. જેમાં આરોપીઓને સાબરમતી જેલમાં રાખ્યા હતા. તે દરમિયાન આ કામના આરોપીઓની બેરેક પાસેથી વર્ષ ૨૦૧૩માં સુરંગકાંડ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આ બેરેકમાં રાખેલા આરોપીઓની બેરેકમાંથી જ સુરંગ તૈયાર કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૦૮માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી અમદાવાદની ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરમાં લગભગ ૨૦ જેટલા સ્થળો પર એક પછી એક શ્રેણીબદ્ધ ધડકાઓ સાથે અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાઈદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે થઈને આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં મહત્વની બાબત એ સામે આવી હતી કે, પહેલી વખત ઇન્ડીયન મુજાઇદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું અને આ મોડ્યુઅલ સામે આવતાની સાથે જ ખાસ ચુનંદા અધિકારીઓની ટીમ તાત્કાલિક બનાવવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી.