બેરોજગારી અને દેવાના લીધે ત્રણ વર્ષમાં ૨૫૦૦૦થી વધુની આત્મહત્યા ઃ ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયનો રાજ્યસભામાં જવાબ

કેન્દ્રીય બજેટ પર સંસદમાં ચાલતી ચર્ચામાં બેરોજગારી પરની ચર્ચામાં કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ૨૦૧૮થી ૨૦૨૦ની વચ્ચે બેરોજગારી અને દેવાના લીધે ૨૫,૦૦૦થી પણ વધારે ભારતીયોએ આત્મહત્યા કરી હતી. તેમા ૯,૧૪૦ એ બેરોજગારીના લીધે અને ૧૬,૦૯૧એ દેવાના લીધે આત્મહત્યા કરી હતી, એમ કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સરકારી આંકડાનો આધાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા છે. આ આંકડા મુજબ બેરોજગારોમાં આત્મહત્યાનું પ્રમાણ કોરોના રોગચાળાના વર્ષ ૨૦૨૦માં વધીને ૩,૫૪૮ પર પહોંચી ગયું હતું. જ્યારે ૨૦૧૮માં ૨,૭૪૧ લોકોએ બેરોજગારીના લીધે જીવનનો અંત આણ્યો હતો. જ્યારે ૨૦૧૯માં ૨,૮૫૧એ આત્મહત્યા કરી હતી.
જાે કે દેવાના લીધે આત્મહત્યામાં આ પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળતો નથી. ૨૦૧૮માં ૪,૯૭૦એ દેવાના લીધે આત્મહત્યા કરી હતી. ૨૦૧૯માં આ આંકડો વધીને ૫,૯૦૮ થયો હતો. જયારે ૨૦૨૦માં આ આંકડો ઘટીને ૫,૨૧૩ થયો હતો. સમગ્ર બજેટ સત્ર દરમિયાન વારંવાર રોજગારીનો મુદ્દો ઉઠતો રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમનો આરોપ હતો કે બજેટમાં કોવિડ-૧૯ના લીધે દેશ જે સિૃથતિનો સામનો કરી રહ્યો છે તેના માટે કોઈ વિશેષ રાહત પૂરી પાડવામાં આવી નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી છેલ્લા ૫૦ વર્ષના ટોચના સ્તરે પહોંચી ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારે દસ વર્ષના શાસનમાં ૨૭ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદીના નેજા હેઠળની એનડીએ સરકારે ૨૩ કરોડ લોકોને ગરીબીમાં પાછા ધકેલી દીધા છે.
રાયે જણાવ્યું હતું કે સરકારે આર્ત્મનિભર રોજગાર યોજના (એબીઆરવાય), ધ નેશનલ કેરિયર સર્વિસ (એનસીએસ) પ્રોજેક્ટ હેઠળ નોકરી વાંછુકો અને નોકરી આપનારાઓ માટે ખાસ કાર્યક્રમ શરૂ કર્યા છે.
આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશ પ્રોગ્રામ (પીએમઇજીપી), મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ ((મનરેગા), પંડિત દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા રોજગારી વધારવાના મોરચે કામગીરી કરી હોવાનું કહી સરકારનો બચાવ કર્યો હતો