વડોદરા ની નેશનલ બિલ્ડીંગ કંપની એ છુટા કરેલા ૪૮૦ કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના ઘર બહાર ભૂખ હડતાળ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી સ્થિત બેરિંગ બનાવતી નેશનલ બિલ્ડિંગ કંપનીના (એનબીસી) ૪૮૦ કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા બેરોજગાર બનેલા કર્મચારીઓએ આજે સાવલીના ભાજપા ના ધારાસભ્યના નિવાસસ્થાન બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે.
કેન્ટીન માં જમવા બાબતે થયેલી માથાકૂટ માં પહેલા છ અને પછી યુનિયન માં જાેડાનાર તમામ કામદારો ને છુટા કરી નવા કામદારો ની ભરતી સામે વિરોધ કરી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમને નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધારાસભ્યના ઘર આગણે ભૂખ હડતાળ ચાલુ રાખીશું.
સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર ના કેતન ફાર્મ ખાતેના નિવાસસ્થાનની બહાર કર્મચારીઓ સવારે ૭ કલાકે પહોંચ્યા હતા અને ભૂખ હડતાળ શરૂ કરી છે અને જ્યાં સુધી નોકરી ઉપર પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવા કર્મચારીઓ મક્કમ બન્યા છે. કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કંપનીના કન્ટીનમાં સારું ફૂડ આપવામાં આવતું ન હોવાથી કંપનીના ૬ જેટલા કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને રજુઆત કરતા કંપની ના મેનેજમેન્ટ દ્વારા કેન્ટીન અંગે રજુઆત કરનાર ૬ કર્મચારીઓને છૂટા કરી દેતા અમદાવાદના કેમિકલ મજદૂર યુનિયનમાં જાેડાયેલા આ કંપની ના ૪૮૦ કર્મચારીઓને કંપની બંધ કરવાના બહાના હેઠળ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા હતા અને કંપનીએ બીજાે કોન્ટ્રાક્ટ આપી નવી ભરતી ચાલુ કરી દેતા આ કર્મચારીઓ ન્યાય ની માંગ કરી રહયા છે.