રિતિક રોશન હોસ્પિટલમાં, ચાહકોમાં ચિંતા

બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજકાલ પોતાના અલગ-અલગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પરંતુ તેમ છતાં તેણે એક ઉમદા કાર્ય કરવા માટે સમય કાઢ્યો. હાલમાં તેણે તેના ટિ્વટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે હાથમાં સોય સાથે હોસ્પિટલના બેડ પર જાેવા મળી રહ્યો છે. તેની હાલત જાેઈને તેના ચાહકો ગભરાઈ ગયા. તેના ચાહકો ચિંતામાં ડૂબી ગયા. પરંતુ તમને જણાવી દઈએ કે ગભરાવાની કોઈ વાત નથી. વાસ્તવમાં રિતિક રોશન બ્લડ ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચી ગયો છે.
રિતિક રોશન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યો અને પોતાનું રક્તદાન કર્યું. તેનું લોહી ખૂબ જ દુર્લભ છે. તેથી તેણે રક્તદાન કર્યું છે. તેણે ટ્વીટમાં હોસ્પિટલમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં તેની સાથે બે ડોક્ટરો દેખાય છે. ફોટામાં અભિનેતા પોતાના હાથ વડે વિજયનું ચિહ્ન બનાવતો જાેવા મળે છે.
ફોટો શેર કરતા રિતિકે કેપ્શનમાં લખ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે, મારું બ્લડ ગ્રુપ બી-નેગેટિવ છે જે દુર્લભ છે. ઘણી વખત હોસ્પિટલોમાં પણ ઓછું પડે છે. અત્યંત મહત્વપૂર્ણ બ્લડ બેંકનો એક ભાગ બનવાની હું પ્રતિજ્ઞા લઉં છું. મને સહકાર આપવા બદલ કોકિલાબેન હોસ્પિટલનો આભાર.’
આ પછી તેણે હોસ્પિટલ અને ડોક્ટર્સનો આભાર માન્યો છે. રિતિકે એમ પણ લખ્યું કે, ‘શું તમે જાણો છો કે રક્તદાન કરવું રક્તદાતાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે?’ રિતિક રોશનના આ શાનદાર કામની તેના પિતા રાકેશ રોશન સહિત ઘણા સેલેબ્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ બોલિવૂડ સુપરસ્ટારના આ કામના વખાણ કરતા થાકતા નથી.