ગુજરાત

સુરતમાં પ્રોજેક્ટ પર મસમોટી લોન લીધા બાદ બિલ્ડરે હપ્તા ન ભરતાં ૨૭ ફ્લેટ હોલ્ડરો બેઘર બન્યા

સુરતના લસકાણા ખાતે આવેલ પરમ રેસીડેન્સીના બિલ્ડરના પાપે ફ્લેટ ધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લોન લીધા બાદ પેમેન્ટ ભરવામાં અખાડા કરતાં બુધવારે સવારે ખાનગી ફાઈસનાન્સ કંપની દ્વારા પ્રોજેક્ટના ૨૭ ફ્લેટને સીલ મારી દેવામાં આવ્યા છે. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરતાં પરિવારોની હાલત દયનીય થવા પામી છે.ચોધાર આંસુએ રડતી મહિલાઓ દ્વારા બિલ્ડર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ વ્યક્ત કરવાની સાથે બેઘર થવા માટે બિલ્ડર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાણામાં પરમ રેસીડેન્સીના બિલ્ડર દ્વારા જે તે સમયે પ્રોજેક્ટ પર મસમોટી લોન લેવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લેટ હોલ્ડરોને કબ્જાે પણ સુપરત કરી દેવામાં આવ્યો હતો. અલબત્ત, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન સમયસર ભરપાઈ ન કરવામાં આવતાં બુધવારે સવારે પ્રોજેક્ટ પર ફાઈનાન્સ કરનાર રેલીગેર હોમ લોમ્સ નામની સંસ્થા દ્વારા સાગમટે ૨૭ ફ્લેટોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરી રહેલા પરિવારજનોએ રાતોરાત બેઘર થવાનો વારો આવ્યો હતો.
ફ્લેટ ધારકો દ્વારા આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન ન ભરપાઈ કરતાં બેંક દ્વારા અમારા ફ્લેટોને સીલ મારવામાં આવ્યું છે. જેને પગલે બિલ્ડર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ ફ્લેટ હોલ્ડરો ખુદ હજી મકાનના હપ્તા ભરી રહ્યા છે ત્યારે બિલ્ડર દ્વારા નિશ્ચિતપણે કોઈ કાવતરૂં રચીને આ પ્રોજેક્ટ પર લોન લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ ફ્લેટ હોલ્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button