પીએસઆઈની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, ફૂલ–રૂપિયાનો વરસાદ કરીને વિદાઈ અપાઈ

ગુજરાતમાં નવી સરકાર આવતા બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ ખાતામાં પણ બદલી થઇ રહી છે. જેને લઈ ધોરાજી તાલુકાના પાટણવાવ આવેલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ને પણ બદલીનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ તેમની બદલીથી આખુ ગામ દુખી થયુ હતું. તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ભારે હૃદયે પીએસઆઈને વિદાય આપવામાં આવી હતી.
પાટણવાવ પી.એસ.આઈ. વાય.બી. રાણાની બદલીનો ઓર્ડર આવ્યો હતો. ત્યારે પાટણવાવનો પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા અનોખો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પી.એસ આઈ. રાણાને ઢોલના તાલે વિદાય આપી હતી. તેમજ ફૂલો તેમજ રૂપિયાનો વરસાદ કરીને વિદાય કરાયા હતા. વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ ઢોલના તાલે નાચી ઉઠ્યા હતા. સાથે જ ખુબ જ સારી કામગીરી કરનાર પી.એસ.આઈ.ની વિદાય વેળાએ સૌ કોઈ દુખી થયા હતા. પી.એસ.આ.ઈ રાણા ખુદ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આમ ગ્રામજનો અને પોલીસ સ્ટાફ ભાવુક પણ થયા હતા.
વિદાયનો આવો સમારોહ ભાગ્યે જ જાેવા મળે છે. જેના કારણે વિદાય સમારોહના વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. સાહેબને વિદાય આપતા સમયે પાટણવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સમસ્ત પાટણવાવ ગામ હિબકે ચડ્યું હતું. પોલીસ અને જનતા વચ્ચે લાગણીના આવા દ્રશ્યો જૂજ જ જાેવા મળે છે. ખાખીની પાછળ છુપાયેલી સંવેદના બહાર આવી હતી. પીએસઆઈ વાય.બી રાણાએ ભાદર નદીના પુર સમયે ખૂબ સારી કામગીરી કરી હતી. જેથી સ્થાનિક લોકોમાં તેઓ બહુ જ પોપ્યુલર હતા