વ્યાપાર

વોડાફોન આઈડિયાને કટોકટીમાંથી બહાર કાઢવા માટે કંપનીના બોર્ડે કરોડોનું ભંડોળ એકત્ર કરવાની આપી મંજૂરી

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વોડાફોન આઈડિયાના બોર્ડે રૂ. ૧૪,૫૦૦ કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. વોડાફોન તેના પ્રમોટર – આદિત્ય બિરલા ગ્રૂપ અને વોડાફોન ઇન્કને પ્રેફરન્શિયલ શેર જારી કરીને આઇડિયામાં રૂ. ૪,૫૦૦ કરોડ એકત્ર કરશે. કંપનીના બોર્ડે કન્વર્ટિબલ સિક્યોરિટીઝ, ગ્લોબલ ડિપોઝિટરીઝ રિસિપ્ટ્‌સ, અમેરિકન ડિપોઝિટરીઝ રિસિપ્ટ્‌સ, કન્વર્ટિબલ બૉન્ડ્‌સ, નોન-કન્વર્ટિબલ અને કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, વૉરન્ટ્‌સ વગેરેને એક અથવા વધુ ટ્રૅન્ચમાં, લગભગ રૂ. ૧૦,૦૦૦ સુધીની રકમ આપવા માટે મંજૂરી આપી છે.

વોડાફોન આઈડિયા કંપનીઓને શેર દીઠ રૂ. ૧૩.૩૦ના ભાવે શેર ઈશ્યુ કરશે, જે તેની વર્તમાન બજાર કિંમત કરતાં લગભગ ૨૦ ટકા વધુ છે. વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ વોડાફોન આઈડિયામાં ૪૪.૩૯% અને ૨૭.૬૬% હિસ્સો ધરાવે છે અને બંને આ ટેલિકોમ કંપનીના કો-પ્રમોટર્સ છે. કંપનીએ કહ્યું કે તેણે ૨૬ માર્ચે એક અસાધારણ સામાન્ય સભા બોલાવી છે, જેમાં આ ફંડ એકત્ર કરવાની યોજનાને શેરધારકો દ્વારા મંજૂરી આપવામાં આવશે.

ગયા અઠવાડિયે, વોડાફોન ગ્રૂપે ઇન્ડસ ટાવર્સમાં ૨.૪ ટકા હિસ્સો એક અજ્ઞાત રોકાણકારને બ્લોક ડીલ દ્વારા વેચીને આશરે રૂ. ૧,૪૪૨ કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય વોડાફોને તેની ટાવર કંપનીનો ૪.૭ ટકા હિસ્સો ભારતી એરટેલને વેચવાની પણ જાહેરાત કરી છે.આ ડીલ એ શરતે કરવામાં આવી છે કે વોડાફોન તેમાંથી મેળવેલા નાણાંનું રોકાણ વોડાફોન આઈડિયામાં કરશે અને ઈન્ડસ ટાવર્સમાં વોડાફોન આઈડિયાના લેણાં પણ ચૂકવશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button