ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે

કોંગ્રેસને સૌથી વધારે અત્યારે કોઈ બાબતની જરૂર હોય તો તે ચિંતન અને મનોમંથન છે. આ સમયે મહત્ત્વની વાત એ છે કે કૉગ્રેસની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. તે તા. ૧૪ મેથી ૧૬ મે દરમિયાન ઉદયપુર ખાતે યોજાશે. આ વિશેનો આખરી ર્નિણય કૉન્ગ્રેસ વર્કીંગ કમિટી દ્વારા લેવામાં આવશે.
છેલ્લાં સાત વર્ષથી કૉગ્રેસનું અવિરત પતન થઈ રહ્યું છે પરંતુ સુધારા માટે કશું જ કર્યું નથી. જે પગલાં લેવામાં આવ્યાં છે તે અસફળ પુરવાર થયા છે. કોંગ્રેસની ચિંતન શિબિર યોજવાની માગણી લાંબા સમયથી થઈ રહી હતી, પણ કોવિડને કારણે તે સંભવ બનતું નહોતું. હવે તે શક્ય બનશે એમ લાગી રહ્યું છે. કેટલાક રાજકીય તજજ્ઞોનું એવું માનવું છે કે આલોચનાના ડરથી ગાંધી પરિવાર ચિંતન શિબિરના આયોજનથી ભાગતો રહ્યો છે. ચિંતન શિબિરમાં ખરેખર વિચાર-વિમર્શ અને આત્મનિરીક્ષણ થશે કે પછી તે માત્ર બાહ્ય દેખાડો બની રહેશે, તે વિશે પણ ઘણાના મનમાં શંકા છે.
પાંચ રાજ્યોમાં પરાજય પછી પણ ગાંધી પરિવાર સકારાત્મક પગલાં લેતો દેખાઈ રહ્યો નથી. પોતાની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા આગામી ચૂંટણીઓની જવાબદારી પ્રશાંત કિશોર પર નાખી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.