જીવનશૈલી

ચોટીલા તાલુકાની ૩૪થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની કોઇ સુવિધા જ નથી

રાજ્ય સરકાર દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરોડો રૂપિયાનું આંધણ કરે છે. ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ૩૪થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકો માટે શાળામાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. જેના કારણે આ બાળકોને ઘેરથી સાથે પીવાનુ પાણી લાવવુ પડે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેક આઝાદી સમયથી પીવાના પાણીની ઘેરી સમસ્યા દર વર્ષે વિકરાળ બનીને વધારેને વધારે મોઢું ફાડતી જાય છે. ત્યારે હદ તો એ વાતની છે કે, ચોટીલા તાલુકાની ૩૪ શાળાઓમાં પણ અહીં અભ્યાસ કરતા ભુલકાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા જ નથી.ચોટીલા તાલુકાના ઝુંપડા(બા), મેવાસા(શે), નાવા વાદી વસાહત શાળા, નાના પાળિયાદ, જાનીવડલા, ગોલીડા, સાંડવા (ઢોકળવા ), ચોબારી, મેવાસા, સુખસર, મોટા હરણીયા, અકાળા, રેશમિયા, કુંઢડા, ચાણપા, રાજપરા, ડાકવડલા , સાલખડા, ફુલઝર, કાબરણ, ગુંદા, જીવાપર (આ), મહીદડ સહિતની ચોટીલા તાલુકાની ૩૪ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા માસુમ ભુલકાઓને દફતરના ભાર સાથે ઘેરથી પીવાના પાણીની બોટલનો ભાર પણ સાથે ઉંચકીને શાળામાં લઇ જવો પડે છે.

ત્યારે પીવાના પાણીની સમસ્યાથી ઘેરાયેલી અનેક શાળાઓમાં બાળકો માટે પાણીની બોટલની દફ્તર સાથે સલામત રાખવી પડે છે. અને શાળા સમય દરમિયાન બે ત્રણ વખત પાણી ભરવા પણ જવું પડે છે. આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ૩૪થી વધુ શાળાઓમાં ઘણાં જ વર્ષોથી આ હાલત છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓની અત્યંત નબળી નેતાગીરીનો આ બોલતો પુરાવો છે.

ચોટીલા તાલુકાના ૮૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૩૨ સરકારી પ્રાથમિક શાળામાં છે. અને આ શાળાઓમાં કુલ ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. પણ આ પૈકીની ૩૪ જેટલી શાળાઓના ૪૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, તે આ તાલુકાની કડવી વાસ્તવિકતા છે. ચોટીલાના જે ૩૪ સરકારી પ્રાથમિક શાળાઓની પાણી સમસ્યા હલ કરવા બે ઉપાય વાલીઓએ સુચવ્યા છે. જેમાં જે ગામોમાં નર્મદાના પાણીની લાઇન પસાર થાય છે. તેમાંથી શાળાઓને પાણીના કનેક્શન આપવાની જરૂર છે. અને જે ગામોમાં નર્મદાની લાઇન જ નથી તેવા ગામોની શાળાઓમાં ટેન્કર દ્વારા જે તે શાળાઓના ટાંકાઓમાં પાણી ભરવામાં આવે તો પણ આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે તેમ છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button