દોઢ તોલાની સોનાની ચેઇન ખરીદીને બે ગઠિયાઓએ છેંતરપીડી કરી

ગાંધીનગર ખાતે આવેલા મુરલીધર જ્વેલર્સમાંથી દોઢ તોલાની સોનાની ચેઇન ખરીદીને બે ગઠિયાઓએ પેયટીએમથી જ્વેલર્સના માલિકના નંબર પર પેમેન્ટ કરી પેમેન્ટ સક્સેસના મેસેજ બતાવી સોનાની ચેઇન લીધી હતી. જે બાદ જ્વેલર્સના માલિકના ખાતામાં પૈસા ન આવતા, એપથી પેમેન્ટ કરી સક્સેસ મેસેજ બતાવીને છેતરપિંડી આચરી હોવાનું માલુમ થયુ હતુ. જે અંગે જવેલર્સના માલિક દ્વારા ગાંધીનગર ખાતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સેક્ટર ૨૧ ખાતે મુરલીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા કનુસિંહ યાદવ ( ડભોડા વાળા ) દહેગામ તથા નાના ચિલોડા ખાતે મુરલીધર જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત ગાંધીનગર સેક્ટર ૨૧ ખાતેની દુકાને બે શખ્સ સોનાની ચેઇન ખરીદવા માટે આવ્યા હતા.
આ સમયે દુકાન માલિક કનુસિંહ યાદવ હાજર નહોતા. પરંતુ તેમના માણસોએ સોનાની ચેઇન બતાવી હતી. જેમાંથી એક ચેઇન પસંદ કરી હતી. જેનું વજન દોઢ તોલા જેટલું થયું હતું. સોનાની ચેઇનનું ૭૧ હજાર રૂપિયા જેટલું પેમેન્ટ થતું હતું.
જે આવેલા શખ્સોએ પેમેન્ટ પેટીએમથી કરવાનું છે તેમ કહી દુકાન માલિકનો નંબર માગ્યો હતો. આ શખ્સોએ પીટીએમથી પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટ સક્સેસનો મેસેજ આવ્યો હતો. જે દુકાન માલિકના મોબાઇલ ઉપર ફોરવર્ડ કર્યો હતો. રવિવાર હોવાથી પેમેન્ટ બીજા દિવસે આવશે તેવું વિચારી દુકાન માલિકે કોઈ તપાસ કરી ન હતી. પરંતુ બે દિવસ થયા બાદ પણ પેમેન્ટ ન આવતા આવનાર શખ્સોએ ફ્રોડ એપથી પેમેન્ટ કરી છેતરપિંડી કરી હોવાનું જણાઇ આવતાં સેક્ટર ૨૧ પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ચેઇન ખરીદનાર બંને શખ્સોએ બિલ પર લખાવેલું સરનામું અને મોબાઇલ નંબર પર તપાસ કરતા બંને ખોટા હોવાનું સામે આવ્યું હતું. સોનાની ચેઇન ખરીદનાર બંને શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે.