કેજરીવાલ વિરુદ્ધ નિવેદનના મામલે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક

કુમાર વિશ્વાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના નિવેદન બદલ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી છે. તેની સામે પંજાબના રોપરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. વિશ્વાસ પર કેજરીવાલના ખાલિસ્તાન સાથે સંબંધ હોવાના ખોટા આરોપ લગાવવાનો આરોપ છે.
કુમાર વિશ્વાસે અરજી દાખલ કરી હતી કે તેમની સામે નોંધાયેલ કેસ કાયદાની પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે અને તે રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સી જે રીતે આગળ વધી રહી છે તે સ્પષ્ટ છે કે તે એવી પ્રક્રિયા અપનાવીને અરજદારની સ્વતંત્રતા પર કાપ મૂકવાનો પ્રયાસ કરી રહી છે જેને કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.
પંજાબના રૂપનગરના સદર પોલીસ સ્ટેશનમાં ૧૨ એપ્રિલે વિશ્વાસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વિશ્વાસે કેજરીવાલ પર પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અલગતાવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. પંજાબ પોલીસ ૨૦ એપ્રિલે ગાઝિયાબાદમાં વિશ્વાસના ઘરે પહોંચી હતી અને તેને પૂછપરછ માટે સમન્સ મોકલ્યો હતો.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે જ્યારે તે લોકોની ફરિયાદોનું નિવારણ કરવા આપ સમર્થકો સાથે ગામડાઓમાં ફરતો હતો ત્યારે કેટલાક અજાણ્યા નકાબધારી માણસોએ તેને રોક્યો અને ખાલિસ્તાની કહ્યા. ફરિયાદીએ કહ્યું હતું કે, “આવી ઘટનાઓ નિયમિતપણે બની રહી છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે વિશ્વાસે ન્યૂઝ ચેનલો/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપ કન્વીનર કેજરીવાલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા અને અલગતાવાદી તત્વો સાથે આપના સંબંધોનો આરોપ મૂક્યો.”