ક્રાઇમ

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સ પેડલર વસીમ પિંજરાની ધરપકડ કરવામાં આવી છે. વસીમ પિંજરાને નામદાર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. વસીમે પોલીસની પૂછપરછમાં માદક પદાર્થોનો જથ્થો રાજસ્થાનના પ્રતાપગઢથી લાવ્યાનું કબૂલ્યું છે. ત્યારે પ્રતાપગઢના શખ્સને પકડવા માટે રાજકોટ પોલીસે રાજસ્થાનમાં ધામા નાખ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વસિમ મુલતાની ઉર્ફે વસીમ પિંજરાની હેરોઇન તેમજ મેફેડ્રોનના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે, ડ્રગ્સ પેડલર વસીમ અન્ય રાજ્યમાંથી માદક પદાર્થોનો જથ્થો રાજકોટ લાવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સર્વેલન્સ હતી. તે દરમિયાન વસીમ પિંજરા ઝડપાઇ જતાં તેની અંગજડતી કરવામાં આવી હતી. વસીમ પિંજરાના ચપ્પલના નીચેના ભાગમાંથી માદક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો.

સમગ્ર મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે વસીમ પિંજરાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આગામી સાત તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, વસીમ શાળા તેમજ કોલેજ પાસે વિદ્યાર્થીઓને માદક પદાર્થ વેચતો હતો. ત્યારે અત્યાર સુધીમાં વસીમ નવ વખત રાજસ્થાનના પ્રતાપગઢમાં ખાતેથી માદક પદાર્થોનો જથ્થો લાવ્યો હોવાનું કબૂલ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માલીયાસણ ખાતેથી વસિમ મુલતાની ઉર્ફે વસીમ પિંજરાને બ્રાઉનસુગરના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button