પત્ની નક્સલીઓ પાસે માર ખવડાવે છેઃ સીએમ હાઉસની સામે રડી પડ્યા જદયુના નેતા મારા લગ્ન થયા હતા. લગ્નના થોડાં વર્ષ પછી મને નક્સલીઓ સાથેની સાઠગાંઠની જાણકારી મળી
બિહારની સત્તારૂઢ પાર્ટી જદયુના નેતાએ મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ પત્નીથી બચાવવાની આજીજી કરી છે. અતિપછાત વિસ્તારના પ્રદેશ મહાસચિવ અવધેશ કુમારે કહ્યું, ‘મને મારી પત્નીથી બચાવો. પત્નીની નક્સલીઓ સાથે સાઠગાંઠ છે. પત્નીના કહેવાથી વારંવાર નક્સલીઓ આવે અને મને ઘેરી લે છે.’ અવધેશ કુમાર પર મંગળવારે પરિવારની સાથે સીએમ નિવાસસ્થાન આજીજી કરવા પહોંચ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઈ ન શકી. એ બાદ તેઓ ત્યાં જ રડી પડ્યા.
જદયુના નેતાએ જણાવ્યું, ‘પત્ની નક્સલીઓ સાથે સાઠગાંઠ કરીને આખા પરિવારને પરેશાન કરે છે. નક્સલી પરિવારના તમામ લોકો મારપીટ કરે છે. પત્નીએ ખોટા કેસમાં પણ મને ફસાવ્યો છે.’ અવધેશ દરભંગા જિલ્લા બહાદુરપુરના મેકના ગામના છે. તેમણે વધુમાં જણાવ્યું, ‘૨૦૦૬માં બહરી નામના ગામમાં મારા લગ્ન થયા હતા. લગ્નના થોડાં વર્ષ પછી મને નક્સલીઓ સાથેની સાઠગાંઠની જાણકારી મળી. પત્નીનો નક્સલી નેતા મનોજ લાલ સાથે સંપર્ક છે. તે તેની વાતોમાં આવીને ૨૦૧૨માં મારા વિરુદ્ધ ખોટા કેસ કરી ચૂકી છે. કોર્ટમાં સમજૂતી થઈ હતી, પરંતુ એ બાદ પણ મનોજ લાલ મને પરેશાન કરી રહ્યો છે.’
તેમણે જણાવ્યું હતું કે ‘૨૨ જાન્યુઆરીએ દાદીનું દેહાંત થઈ ગયું. બીજા જ દિવસે મનોજ લાલ ૫૦ જેટલા નક્સલીઓને લઈને પહોંચ્યો અને મારા આખા ઘરને ઘેરી લીધું. એની જાણ મેં સ્થાનિક પોલીસ સ્ટેશન અને સિનિયર અધિકારીઓને કરી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થઈ. બીજા દિવસે ડીજીપીને ફોન કર્યો તો તેમને કોરોનાની વાત કહીને મને મળવાનો ઈનકાર કરી દીધો.’
કુમારે જણાવ્યું, ‘મંત્રી મદન સહની સાથે વાત કરી, પછી એસપી સાથે વાત કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. ઊલટાનું એવું કહેવામાં આવ્યું કે પોલીસે એટલા માટે કોઈ કાર્યવાહી ન કરી, કેમ કે એનાથી તેમની બદનામી થશે કે આટલી મોટી સંખ્યામાં નક્સલીઓ કેવી રીતે પહોંચી ગયા. ૭ મેના રોજ પત્ની ઘરમાંથી ૫૦ હજાર રૂપિયા અને અન્ય સામાન લઈને ચાલી ગઈ, જેની જાણકારી પોલીસને આપી. બાદમાં મનોજ લાલે મારી અને મારા ભાઈ વિરુદ્ધ જ ખોટા કેસ કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો.’અવધેશ કુમારનું કહેવું છે કે આ પહેલાં પણ તેમને મુખ્યમંત્રીથી લઈને સચિવાલય સુધી મદદની માગ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. આવી બાબતમાં તો મુખ્યમંત્રી પાસે જ ન્યાયની આશા છે.