રાજકારણ

યુપીએ દ્વારા અર્થતંત્રને મજબૂતી અપાઇ હતી પણ ભાજપે અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું ઃ રાહુલ ગાંધી

ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન પર અગાઉની યુપીએ સરકાર દ્વારા મજબૂત કરાયેલા દેશના અર્થતંત્રને બરબાદ કરવાનો આરોપ મૂક્યો હતો. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ‘ભાજપ અને મોદી બે હિંદુસ્તાન બનાવવા માંગે છે.

ધનાઢ્યો અને બે-ત્રણ ઉદ્યોગપતિઓ માટે એક હિંદુસ્તાન તેમજ દલિત, ખેડૂતો, ગરીબો અને વંચિતો માટે બીજું હિંદુસ્તાન. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દેશ અને લોકોને જાેડવાનું કામ કરે છે. જ્યારે ભાજપ વિભાજીત કરવાનું કામ કરે છે. કોંગ્રેસ નબળા વર્ગને મદદ કરે છે. જ્યારે ભાજપ અમીરોને મદદ કરવાનું કામ કરે છે. ભાજપ સરકારે આપણા અર્થતંત્ર પર હુમલો કર્યો છે. મોદીએ નોટબંધી અને જીએસટીનો અયોગ્ય રીતે અમલ કર્યો. તેને લીધે અર્થતંત્ર બરબાદ થયું.

યુપીએ દ્વારા અર્થતંત્રને મજબૂતી આપવાનો પ્રયાસ કરાયો હતો પણ ભાજપે આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.’ રાહુલે કેન્દ્રમાં શાસન ચલાવી રહેલા ભાજપની ઝાટકણી કાઢી હતી અને આરોપ મૂક્યો હતો કે, ભાજપ બે હિંદુસ્તાન બનાવવા માંગે છે. જ્યારે અમારે એક હિંદુસ્તાન જાેઇએ છે. કોંગ્રેસે આની વિરુદ્ધ લડાઈ શરૂ કરી છે, આવનારા દિવસોમાં આ લડાઈમાં કોંગ્રેસ જીતશે.

રાહુલ ગાંધીએ હાજર લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ સાથે કોંગ્રેસનો જુનો નાતો છે. કોંગ્રેસ આદિવાસીઓને તેમનો હક આપવા માટે જંગલ અને જમીન સંબંધિત કાયદાઓ લાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે જમીન અધિગ્રહણ બિલ દ્વારા જંગલોમાં આદિવાસીઓની સંપત્તિ અને ઉત્પાદનનું રક્ષણ કર્યું, જેનો તેમને ફાયદો મળ્યો.

ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બે વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસની વિચારધારા છે જે કહે છે કે આપણે સૌને સાથે લાવીને, સૌનો આદર કરીને અને સૌના ઇતિહાસ અને સંસ્કૃતિનું રક્ષણ કરીને આગળ વધવાનું છે. બીજી તરફ ભાજપ છે જે આદિવાસીઓના ઈતિહાસ અને સંસ્કૃતિને વિભાજિત કરે છે અને તેનો નાશ કરે છે.રાહુલ ગાંધીએ ભાજપ પર દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવતા કહ્યું કે આ એક લડાઈ છે જે આજે ભારતમાં ચાલી રહી છે. અમે લોકોને એક કરીએ છીએ, તેઓ લોકોને વિભાજિત કરે છે. અમે નબળાને મદદ કરીએ છીએ, તેઓ પસંદ કરેલા મોટા ઉદ્યોગપતિઓને મદદ કરીએ છીએ.અમે એક ભારત જાેઈએ છે જ્યાં દરેકને તેમના સપના પૂરા કરવાની તક મળે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button