ઈકો કાર ઉભા રહેલાં કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા, પતરું કાપીને કાઢવી પડી લાશો
ઈકો કાર ઉભા રહેલાં કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા, પતરું કાપીને કાઢવી પડી લાશો
સુરત જિલ્લાના કોસંબાની સાવા ચોકડી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર ઇકો કાર ઉભેલાં કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની ભયાવહતા તમે એ વાત પરથી સમજી શકો છો કે, ઈકો કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી હતી. હાલ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
કલોલથી ઇકો કારમાં (GJ 18 BJ 1265) ચાર વ્યક્તિઓ બારડોલી કામ માટે જઇ રહ્યાં હતાં. તે દરમિયાન વહેલી સવારે કોસંબા પાસે મહુવેજ ગામની સીમમાં ચોકલેટ બનાવતી ફેક્ટરી સામે નેશનલ હાઇ વે નંબર 48 પરથી જતી હતી. ત્યારે રોડની એકબાજુ ઉભેલા ટ્રેલર (GJ 12 AU 8143) પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ઘટના સ્થળે બે લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે બે લોકોનો બચાવ થયો છે.
મૃતકોનાં નામ-
1. પંકજભાઈ શંકરભાઈ લેવા
2. મહેશ ગીરી કનુભાઈ ગોસ્વામી
પ્રાપ્ત વિગત અનુસાર આ અકસ્માતમાં ઈકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું ઉપરનું પતરું વળી ગયું હતું. આ કારમાંથી મૃતદેહને બહાર લાવવા માટે કારનું પતરું તોડવું પડ્યું હતું. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. તો આ ગમખ્વાર અકસ્માતને કારણે લોકોનાં ટોળે ટોળાં ભેગાં થઈ ગયા હતા. અને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)