તીડના આંતકથી કચ્છથી ઉત્તર ગુજરાત ગ્રસ્ત ,ખેડુતો ચિંતિત, પાંચ જિલ્લામાં તીડના આક્રમણથી પરેશાની
તીડના આંતકથી કચ્છથી ઉત્તર ગુજરાત ગ્રસ્ત ,ખેડુતો ચિંતિત, પાંચ જિલ્લામાં તીડના આક્રમણથી પરેશાની,
૨૦૧૯ના વર્ષે સારા પાકની આશા સાથે ગુજરાતના ખેડૂતોએ વિક્રમજનક વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં સતત કુદરતી આપત્તિઓના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જૂન મહિનામાં વાયુ વાવાઝોડાથી ખેડૂતો પર શરૂ થયેલી આફત સતત ચાલુ રહી હતી. જેમાં જુલાઈ-ઓગસ્ટમાં ભારે વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં હિક્કા વાવાઝોડું, ઓક્ટોબરમાં એક પછી એક બે વાવાઝોડા, નવેમ્બરમાં મહા વાવાઝોડું અને કમોસમી વરસાદ અને ચાલુ મહિને તીડનું આક્રમણ આમ સતત કુદરતી આપત્તિઓના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કચ્છથી લઇ ઉત્તર ગુજરાત તીડના ટોળાના આંતકથી ભારે પ્રભાવિત છે. મુખ્યત્વે પાંચ જિલ્લાઓમાં તીડનું જારદાર આક્રમણ છે. રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં તીડનું એક ઝુંડ તા.૧૪મી ડિસેમ્બરે ઘૂસ્યું હતું. ત્યારબાદ ગઈકાલે બીજું ઝુંડ પણ ત્રાટક્યું છે. પાકિસ્તાનથી અન્ય બે ઝુંડ કચ્છમાં ત્રાટક્યા છે એક સીધું લખપતમાં અને બીજું ખડીર વાયા વાગડ થઈ રાપરમાં ઘૂસ્યું છે એમ કચ્છના લખપત અને રાપરમાં તીડનું ઝુંડ જોવા મળી રહ્યા છે. ત્યારે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં તીડ કરોડોની સંખ્યામાં ઘૂસ્યા છે. ઉત્તર ગુજરાતના ચાર મળી રાજ્યના ૫ાંચ જિલ્લામાં તીડનું વધુ પડતુ આક્રમણ વર્તાઇ રહ્યું છે. જેને પગલે જગતનો તાત અને વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. તીડના આક્રમણને ખાળવા માટે લોકો ચીલાચાલુ પ્રયાસ કરી રહ્યા છે. સતલાસણા અને દાંતા પંથકમાંથી તીડનું ટોળુ મંગળવારે સાંજે પાંચેક વાગ્યે પોશીના તાલુકાના ત્રણ સરહદી ગામોમાં પ્રવેશી જતાં વનવાસીઓએ તીડના ટોળા દેખાતાની સાથે પંથકમાં સંકટ સમયે વગાડવામાં આવતો વારી ઢોલ સતત વગાડી તીડના ઝુંડને ભગાડવા પ્રયાસ કર્યો હતો. દંત્રાલના પેટાપરા કાળીદેવીમાં તીડના ટોળાએ સફાયો કરી દીધો છે. તાલુકાના દંત્રાલ, કાળીદેવી, ગણવા, ગંછાલી, દેલવાડામાં જોવા મળ્યા છે તો ખેડબ્રહ્મામાં પણ તીડ પ્રસરતા જોવા મળ્યા છે. સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં તીડનો પ્રકોપ થતાં વ્યાપક પ્રમાણમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કરોડોની સંખ્યામાં તીડના આક્રમણથી ખેડૂતો ચિંતાતૂર છે. પહાડી વિસ્તાર હોય કે ખેતર જ્યાં જુઓ ત્યાં તીડને ભગાડવા માટે ઢોલ- નગારા, થાળી, ભુંગળ વગાડીને સ્થાનિકો તીડને નાથવાના પ્રયાસ કરી રહ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ પહાડી વિસ્તારોમાં કરાઈ રહ્યો છે. તેમછતાં, તીડ આક્રમણ સામે સાબરકાંઠાના વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલા નિરર્થક સાબિત થઈ રહ્યા છે. તીડ ભગાડવા અવાજ, ધુમાડો કરવો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતો સાંજ પડતાની સાથે ઢોલ, થાળી વગાડીને તીડને ખેતરોમાં બેસતા અટકાવે છે. તીડ રાત પડતાની સાથે ખેતરોમાં ઉતરતા હોય છે. ઊંચા અવાજથી તીડ ભાગતા હોવાનું મનાય છે. તેથી કેટલાક ખેડૂતો ફટાકડા ફોડીને પણ તીડ ભગાવે છે. દરમ્યાન જોધપુર તીડ નિયંત્રણ કેન્દ્રના ડે. ડાયરેક્ટર, કે.એલ. ગુર્જરે જણાવ્યું હતું કે, યુએનઓની ડેઝર્ટ લોકસ્ટ કન્ટ્રોલ કમીટીની બેઠક ૧૦-૧૪ ડિસેમ્બર દરમ્યાન ઇથિઓપિયામાં મળી હતી. જેમાં ભારતમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં ફરી તીડનું આક્રમણ થવાની શક્યતા વ્યકત થઇ છે.
નૈતિક સમાચાર (NS NEWS)