દોસ્ત દોસ્ત ના રહા…..! મેઘાણીનગરમાં મિત્રોએ જ મળી મિત્રની ક્રુર હત્યા કરી , જૂની અદાવતમાં તલવાર-ચપ્પા વડે હુમલો
દોસ્ત દોસ્ત ના રહા…..! મેઘાણીનગરમાં મિત્રોએ જ મળી મિત્રની ક્રુર હત્યા કરી , જૂની અદાવતમાં તલવાર-ચપ્પા વડે હુમલો,
દોસ્તીમાં લોકો એકબીજાને જીવ આપી દેવાની વાતો કરતાં હોય છે. પણ અમદાવાદ શહેરમાં મિત્રોએ જ ભેગાં મળી મિત્રને પતાવી દીધી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નવા વર્ષે જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતાં એક યુવકને તેના જ ચાર સાથી મિત્રોએ દારૂ પીધેલી હાલતમાં જ તલવાર-ચપ્પા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હજુ એક મહિના પહેલાં જ મૃતક યુવકના પિતાની પણ હત્યા કરાઇ હતી અને તે વિધવા માતાનો સહારો હતો, છતાં હત્યારાઓ કે જેમાં તેના પિતરાઇ ભાઇઓ પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે, તેઓએ યુવકની કરપીણ હત્યા કરી નાંખી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર રહેતા કમલેશ કૈલાસકુમાર કથીરીયાએ અજય બારોટ, રવિ પટેલ, સંદીપ વિક્રમ અને દીપક ગુપ્તા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. કમલેશના ભાઇ પારસ કથીરીયાની ગઇકાલે હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પારસના પિતરાઇ ભાઇની ચાર પાંચ મહિનાં પહેલાં અજય, રવિ, સંદીપ અને દીપક સાથે કોઇ કારણસર માથાકૂટ થઇ હતી. આ ઘટનામાં ચારેય શખ્સોએ પારસને જોઇ લેવાની ધમકી આપી હતી. એક મહિના પહેલાં પારસના પિતા કૈલાસકુમારનું પણ મોત થયું હતું. જેમાં ગઇકાલે અસ્થિ વિસર્જનનો સામાન લેવા માટે પારસ બહાર ગયો હતો. પારસની હત્યા કરવા માટે ચારેય જણાએ પ્લાન બનાવી દીધો હતો અને ખંજર લઇને તેની રાહ જોઇ રહ્યા હતા. અસ્થિ વિસર્જનનો સામાન લઇને પારસ ઘરે આવ્યો તે સમયે ચારેય જણા તેના ઘરે આવી ગયા હતા. પારસની માતાની સામે ચારેય જણાએ તેને ઉપરાછાપરી ખંજર અને તલવારના ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું. ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને પારસની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે ચારેય યુવકો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)