નિસર્ગ વાવાઝોડું મુંબઈની નજીક અલીબાગના દરિયાકાંઠે ત્રાટક્યું , બાન્દ્રા-વરલી સી લિન્ક વે બંધ કરાયો, લોકોને ઘર બહાર ન નિકળવા તાકીદ
નિસર્ગ વાવાઝોડું મુંબઈની નજીક અલીબાગના દરિયાકાંઠે ત્રાટક્યું , બાન્દ્રા-વરલી સી લિન્ક વે બંધ કરાયો, લોકોને ઘર બહાર ન નિકળવા તાકીદ
નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે. અહીં પવનની ગતિ પ્રતિ કલાક ૧૨૦ કિ.મી.ની છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ૫થી ૬ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં હતાં. સજાગ રહેલા વહીવટીતંત્રોએ કાંઠા પર અને નિચાણવાળા ભાગોમાં રહેતા આશરે ૧ લાખ લોકોનું ગઈ કાલથી સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી દીધું હતું. વાવાઝોડાને પગલે મહારાષ્ટ્રમાં રેલ તેમજ હવાઈ વ્યવહાર ખોરવાયો છે. મુંબઈના હાર્દ સમા બાન્દ્રા- વરલી સી લિન્ક વેને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી પાંચથી છ કલાક સુધી લોકોને ઘરની બહાર નહીં નિકળવા તાકીદ કરવામાં આવી છે. ચક્રવાત ગુજરાતના કાંઠે પણ અથડાવાના અનુમાનો લગાવાયા હતા. જો કે મંગળવારે બપોરે વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પરથી ઘાત ટળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગના અગાઉના અંદાજ મુજબ ચક્રવાત ગુજરાતના કાંઠે પણ અથડાવાનો અંદાજ હતો જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાંથી અંદાજે ૫૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈના દરિયાકાંઠે ૧૮૯૧ પછીનું આ સૌથી રૌદ્ર ચક્રવાત હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. વાવાઝોડાને પગલે મુંબઈમાં ભાર પવન ફૂંકાયો હતો અને સંખ્યાબંધ ઝાડ પડી ગયા હોવાની તેમજ કેટલાક થાંભલા પડવાની ઘટના બની છે. મુંબઈમાં દરિયાકાંઠાના વિસ્તારો વર્લી, બાન્દ્રા અને માહિમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળ ખસેડી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર, પુણે, અહમદનગરને ઘમરોળી શકે છે જેથી અહીં ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ કોસ્ટગાર્ડની મદદ લીધી છે. વાવાઝોડાની સંભવિત અસરને ટાળવા માટે તંત્ર સજજ્ છે. વાવાઝોડાને પગલે રાયગઢ, રત્નાગીરિ, તેમજ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ક્યાં ક્યાં થઈ નિસર્ગની અસર ઃ વાવાઝોડાની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈમાં ૨૭ સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી પાણીનો પુરવઠો બંધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાંત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.પરમાણુ કેમિકલ યૂનિટને જોખમ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વાવાઝોડાના માર્ગ રાયગઢ અને પાલઘરમાં પરમાણુ અને રાસાયણિક સંયંત્ર પણ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. જેનાથી વીજપ્રવાહ ખોરવાવાનો પણ ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં ઠાકરે સાથે ચર્ચા પણ કરી હતી. પાલઘરમાં દેશનું સૌથી જુનું તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. અહીંયા ઘણા અન્ય પાવર યુનિટ્સ પણ છે. મુંબઈમાં બાર્ક(ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. રાયગઢમાં પણ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને અન્ય બીજી મહત્વની ઈન્ડસ્ટ્રી છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક સ્થાન છે. વાવાઝોડાના સામના માટે તંત્ર ખડેપગે મહારાષ્ટ્રમાં ndrf ની ૨૦ ટીમો. જેમાંથી મુંબઈમાં ૮, રાયગઢમાં ૫, પાલઘરમાં ૨, થાણેમાં ૨, રત્નાગિરીમાં ૨ અને સિંધુદુર્ગમાં ૧ ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં ૫ ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને ૩ મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે. પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. બીજી તરફ ndrf ની ૧૬ ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં ૮૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના ૧૧ જિલ્લામાં એલર્ટ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/