આરોગ્યગુજરાતદેશ દુનિયા

દેશને જાન્યુઆરી માસ સુધીમાં વેકિસન મળી જવાની સંભાવના ,એઆઈઆઈએમએસના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ ખુલાસો કર્યો

દેશને જાન્યુઆરી માસ સુધીમાં વેકિસન મળી જવાની સંભાવના ,એઆઈઆઈએમએસના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ ખુલાસો કર્યો

ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનને તાત્કાલિક ધોરણે પરવાનગી મળી શકે છે. દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આ અંગે ખુલાસો કર્યો હતો.  ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે, અત્યારે ભારતમાં કેટલીક વેક્સિન અંતિમ તબક્કાની ટ્રાયલ્સમાં છે. આશા છે કે, ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆત સુધીમાં આમાંથી કોઇને ડ્રગ રેગ્યુલેટર પાસેથી ઇમરજન્સી પરવાનગી મળી જશે. તે બાદ વેકિસનેશન શરૂ થઇ શકશે. હાલ ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આમાંથી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-૩ ટ્રાયલ્સમાં છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવીશીલ્ડના ફેઝ-૩ના ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યા છે. તેને ભારતમાં બનાવી રહેલ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે, ટૂંક સમયમાં ઈમરજન્સી યૂઝ માટે એપ્રુવલ લેવા માટે અરજી કરાશે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી જે ડેટા સામે આવ્યો છે તેના આધારે કહી શકાય કે વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે. વેક્સિનની સુરક્ષા અને અસરકારકતા સાથે કોઇ સમાધાન નહીં થાય. ૭૦થી ૮૦ હજાર વોલન્ટિયર્સને વેક્સિન લગાવવામાં આવી છે. અત્યાર સુધી કોઇ ગંભીર આડઅસર સામે આવી નથી. ડેટા પ્રમાણે શોર્ટ ટર્મ વેક્સિન સુરક્ષિત છે. દરમિયાનમાં કોરોનાની વેક્સિન માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. હાલમાં જ યુ.કે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-૧૯ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો છે. ત્યારે અમેરિકન વેક્સિન કંપની ભારતમાં પણ પોતાની વેક્સિન ઉતારવા ઈચ્છે છે. જોકે એક્સપર્ટ્‌સ મુજબ, વેક્સિનને -૭૦ ડિગ્રીએ રાખવી પડતી હોઈ તેનો સ્ટોરેજ એક મોટો પડકાર બનશે. ફાઈઝરના પ્રવક્તા રોમા નાયરે કહ્યું,- અમે ભારત સરકાર સાથે વાતચીત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે દુનિયાભરની સરકાર સાથે દરેક દેશમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે કાર્યરત છીએ અને અમારા વેક્સિનના લોજિસ્ટકલ પ્લાન પણ છે. અમને વિશ્વાસ છે કે ભારતમાં પણ તે પ્લાન રજૂ થઈ શકશે.
યુ.કે, અમેરિકા તથા યુરોપિયન યુનિયનના ઘણા દેશોએ પહેલાથી જ વેક્સિનના મિલિયન ડોઝના ઓર્ડર આપી દીધા છે. અમેરિકાએ ૧૦૦ મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે, ઈયુએ પણ ૨૦૦ મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે અને વધુમાં ૧૦૦ મિલિયન ડોઝના પણ ઓપ્શન છે. જ્યારે યુ.કેએ ૪૦ મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે. જોકે ભારતે જ ફાઈઝરના પ્રી-ઓર્ડર માટે હજુ સુધી કોઈ એગ્રીમેન્ટ કર્યા નથી. આ વેક્સિનની કિંમત અંદાજિત ૪૦થી ૫૦ ડોલર (રૂ. ૨૯૫૦-૩૭૦૦) વચ્ચે હોઈ શકે છે જે વિકસતા દેશો માટે અફોર્ડેબલ નહીં હોઈ શકે. આઈસીએમઆરના પૂર્વ જનરલ ડિરેક્ટર એન.કે ગાંગુલીએ કહ્યું, તેમનું ૨૦૨૧ સુધીનું તમામ
પ્રોડક્શન ધનિક દેશો માટે બૂક થઈ ગયું છે. ભારતે વેક્સિનને બુક કે અલ્ટ્રા- કોલ્ડ સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યો નથી. આ કિંમત પણ ભારતને પરવડે તેવી નથી. ફાઈઝરના ઓફિશિયલે જણાવ્યું કે, કંપની જરૂરિયાત ધરાવતી કંપનીઓને ડોઝ પહોંચાડવા ગવી સાથે સંપર્કમાં હતી. અમારી પાસે ટેમ્પરેચર કન્ટ્રોલ શીપર્સ છે જે સ્ટોરેજની સ્થિતિમાં ડ્રાય આઈસથી તાપમાન ૧૦ દિવસ સુધી મેનેજ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરના દેશો હાલમાં કોરોનાની વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેથી પોતાના દેશના નાગરિકોને બીમારીથી બચાવી શકે. એવામાં ફાઈઝરની વેક્સીને એક આશા જગાવી છે. ત્યારે ભારતમાં પણ હાલમાં કોવિશિલ્ડ, કોવેક્સિન તથા ઝાયકોવ-ડી વેક્સિન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button