દેશ દુનિયા

PI ના ત્રાસથી વાસણા પોલીસ સ્ટેશનના 6 પીએસઆઈ એકસાથે રજા પર ઊતરી ગયા.

અમદાવાદઃ થોડા દિવસ પહેલાં શહેરકોટડા પીઆઈ બી. ડી. ગમારે ઝોન-3 ડીસીપી આર. એફ. સંઘાડાના ત્રાસથી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. હવે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ સી. યુ. પરેવાની હેરાનગતિથી થાકી વાસણા પોલીસ સ્ટેશનના 6 પીએસઆઈ પી.એચ.જાડેજા, સી. વાય. બારોટ, એ. આર. સૂર્યવંશી, બી. એમ. પટેલ, એ. આર. તળવી, એલ. જે. વાળા રજા પર ઊતરી ગયા છે.

 

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ‘સાહેબ રાતે રાજાપાઠમાં જ રહે છે, ગુનો દાખલ થાય એટલે સીધી જ તપાસ જે તે પીએસઆઈને સોંપી દે છે. તપાસમાં ફરિયાદી અને આરોપી પક્ષને બોલાવીને મોટી રકમ પડાવી લે છે અને ત્યાર બાદ પીએસઆઈને તપાસમાં આટલું જ કરવાનું અને આટલું નહીં કરવાની ફરજ પાડે છે. આથી કેસમાં ક્યાંય કશું પણ ખોટું થાય તો જવાબદારી તપાસ કરનારા પીએસઆઈ પર ઢોળવામાં આવે છે.’

આ અંગે પીઆઈ પરેવાનો વારંવાર સંપર્ક કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ડીસીપી ઝોન 7 એન. ડામોરે કહ્યું છે કે, પીએસઆઈની રજા એસીપી મંજૂર કરતા હોવાથી આ વિશે એમ ડિવિઝન એસીપી વી. જી. પટેલ જ ચોક્કસ કારણ જણાવી શકશે. જ્યારે વી. જી. પટેલે કહ્યું છે કે, હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવાથી બધા પીએસઆઈ લગ્નની રજા લઈને ગયા છે. હાલ શહેરમાં પીઆઈ, પીએસઆઈની 40 ટકા જગ્યા ખાલી છે અને રજાઓ મળવી મુશ્કેલી છે ત્યારે એક સાથે રજા પર ઉતરી ગયા હોવાની ઘટનાને ઉપરી અધિકારીઓ સામાન્ય ગણાવી રહ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button