દેશ દુનિયા

ભારતમાં કોરોના સામેની કામગીરીથી 61 ટકા લોકો આક્રોશ અને ગુસ્સો અનુભવે છે

દેશમાં કોરોનાનું સંક્રમણ દાવાનળની જેમ ફેલાઇ ગયું છે અને આરોગ્ય સહિતની સિસ્ટમ પડી ભાંગી હોવાના દ્રશ્યો સર્જાયા છે. તે સમયે 61 ટકાથી વધુ ભારતીયોએ કેન્દ્રની મોદી સરકાર સામે આક્રોશ અને ગુસ્સો વ્યકત કર્યો છે. દેશમાં જે કંઇ ચાલી રહ્યું છે તેનાથી લોકો ખુદની અનિશ્ચિતતા અને ભયના માહોલમાં હોવાનું અનુભવી રહ્યા છે. સીટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કલના એક સર્વેમાં બહાર આવ્યું છે કે લોકો દેશની આ સ્થિતિથી ખૂબ જ આક્રોશ અનુભવે છે અને અનેક લોકો તો ડિપ્રેશનની સ્થિતિ જેવુ પણ અનુભવી રહ્યા છે. દેશની આરોગ્ય સિસ્ટમ હાંફી રહી છે. ઓકિસજન ઉપરાંત તાકીદની દવાઓની પણ જે રીતે તંગી છે અને ભારત એક અભૂતપૂર્વ કટોકટીમાં હોમાઇ ગયું હોવાના પણ લોકો મંતવ્ય વ્યકત કરી રહ્યા છે.

આ સર્વેમાં લોકો ખાસ કરીને એક માનસીક લડાઇ લડી રહ્યા હોવાનો અનુભવ કરે છે અને ખાસ કરીને સરકાર જે રીતે સમગ્ર પરિસ્થિતિ હેન્ડલ કરી રહી છે તેનાથી પણ નારાજ છે. કોરોના બીજો વેવ દેશભરમાં જે રીતે ડેઇલી કેસ 4 લાખની આસપાસ બની રહ્યા છે તેનાથી રાષ્ટ્રમાં એક પેનીક એટલે કે ભયનું વાતાવરણ બની ગયું છે. હોસ્પિટલના બેડની તંગી, મેડીસીન અને ઓકસીજન સપ્લાયની પણ તંગીથી લોકો માનસીક રીતે તનાવ અને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. છેલ્લા બે માસમાં કોરોનાના બીજા વેવમાં પોતાની સ્થિતિ અંગે 23 ટકા લોકોએ એવુ જણાવ્યું કે તેઓ ખરેખર ચિંતામાં છે.

જયારે 8 ટકા લોકો તો ડિપ્રેશન જેવી સ્થિતિમાં અથવા તો અત્યંત દુ:ખદ સ્થિતિમાં હોવાનું સ્વીકાર્યુ હતું. 20 ટકા લોકોએ કહ્યું કે તેઓ ખૂબ અપસેટ અને ગુસ્સામાં છે. 10 ટકા લોકોએ તો અત્યંત ગુસ્સામાં હોવાનું જણાવ્યું હતું. ફકત 7 ટકા લોકો કોરોનાની આ પરિસ્થિતિ વચ્ચે માનસીક તનાવથી દૂર રહીને શાંતિ અનુભવી રહ્યા છે. 28 ટકા લોકો આશા વ્યકત કરે છે કે થોડા સમયમાં પરિસ્થિતિ સુધરી જશે. આ સર્વેમાં એવુ પુછાયુ હતું કે કોરોનાની પરિસ્થિતિને હેન્ડલ કરવામાં ભારત યોગ્ય દિશામાં છે. તેમાં 4પ ટકા લોકોએ ના કહી હતી. 41 ટકા લોકોએ હા કહી હતી અને 14 ટકા લોકો અનિશ્ચિત હતાં. અનેક લોકોએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આ પડકાર ઉપાડવામાં તેની ક્ષમતા વધારી નથી અને ભૂતકાળના અનુભવ થતાં વૈશ્વિક સ્થિતિમાંથી શીખ્યા નથી તેવુ જણાવ્યું હતું. તો 51 ટકા ભારતીયો માને છે કે નિષ્ણાંતો પણ પરિસ્થિતિનો તાગ મેળવવામાં થાપ ખાઇ ગયા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button