અમદાવાદ ના જીવરાજપાર્ક વિસ્તારના સહજાનંદ કોમ્પલેક્સમાં લાગી આગ..

અમદાવાદ: જીવરાજપાર્ક વિસ્તારના સહજાનંદ કોમ્પલેક્સમાં આજે સવારે નવ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પરના ડનલોપ અને થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. આગ લાગી તે સ્થળે ટ્યૂશન ક્લાસિસમાં 16 વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
કોમ્પલેક્ષનો રહેણાંક અને કોમર્શિયલ બંનેનો ઉપયોગ થતો હતો. સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી હતી કે ગોડાઉન ના રાખી શકો છતાં માલિકે ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ગીચતાવાળા કોમ્પલેક્સમાં લોકો રહે છે. ટ્યુશન કલાસિસ તેમજ ભાડે ઓરડી અને ઓફિસો આવેલી છે. કોમ્પ્લેક્ષના બાંધકામ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.
આગ મામલે એફએસએલની મદદ લેવામાં આવી છે. કોમ્પ્લેક્સ બાબતે એસ્ટેટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોમ્પ્લેક્સને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.
આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની 10 ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાની કામગીરી કરાઈ હતી. તો ઘટનાને પગલે 2 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી હતી.
રિપોર્ટર
નરેશ પરમાર (Ns News)