1 જૂનથી ઘરેણા પર હૉલમાર્કિંગ હશે જરૂરી, સોનું ખરીદતા પહેલા સમજી લો બધો હિસાબ-કિતાબ
ગોલ્ડ જ્વેલરીની શુદ્ધતાની ગેરન્ટી આપનારો હૉલમાર્કિંગ હવે અનિવાર્ય થઈ જશે. આવતા મહિનાથી તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. 1 જૂનથી હવે બીઆઈએસની હૉલમાર્કિંગવાળી ગોલ્ડ જ્વેલરી જ વેચાશે. આ દિવસથી તેની સાથે જોડાયેલા નિયમ લાગુ થઈ જશે.
તેનાથી જ્વેલરી ખરીદવામાં છેતરપીંડિનો શિકાર થવાથી ગ્રાહક બચી શકશે. જો કે કોરોના સંક્રમણને જોતા 1 જૂનથી તેને લાગુ કરવાની તૈયારીઓને લઈ સંપૂર્ણ પ્રકારની નિશ્ચિતતા નથી. પણ તેનું અનિવાર્ય હોવું નક્કી છે.
ફક્ત 14,18 અને 22 કેરેટની જ્વેલરી જ વેચાશે
હૉલમાર્કિંગ બાદ ફક્ત 14,18 અને 22 કેરેટની જ્વેલરી જ વેચાશે. હૉલમાર્કિંગમાં બીઆઈએસની મહોર અને કેરેટની જાણકારી હશે. તેમાં મેન્યુફેક્ચરિંગની ડેટ, વર્ષ અને જ્વેલરીનું નામ હશે. બીઆઈએસ હૉલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય માનદંડો પ્રમાણે છે. આ હૉલમાર્કિંગથી ગોલ્ડ જ્વેલરી કારોબારમાં પારદર્શિતા ઘણી વધી જશે.
નિયમોના ઉલ્લંઘન પર દંડ અને સજા
હવે જૂના ઘરેણાનું હૉલમાર્કિંગ કરાવી શકાશે. કોઈ પણ હૉલમાર્કિંગ સેન્ટરમાં જઈને આ કામ કરાવી શકાય છે. જો કે જૂના ઘરેણાના હૉલમાર્કિંગની ફી થોડી વધારે હશે. વગર હૉલમાર્કિંગવાળા ઘરેણા વેચવા પર તમને થોડી ઓછી કિંમત મળી શકે છે.
હૉલમાર્કિંગના આ નિયમોમાં ગડબડી કરવા પર દંડની પણ જોગવાઈ છે. જો જ્વેલર્સે છેતરપીંડિ કરી તો એક લાખથી લઈ જ્વેલરીના ભાવમાં પાંચગણા સુધીનો દંડ લાગી શકે છે. દંડની સાથે એક વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે.
તપાસ માટે સરકારે બીઆઈએસ કેયર એપ પણ લૉન્ચ કરી છે. તેના પર શુદ્ધતાની તપાસની સાથે ફરિયાદની પણ સુવિધા રહેલી છે. હૉલમાર્કિંગથી સંબંધિત ખોટી જાણકારી પર ફરિયાદ કરી શકો છો.