ભારતીય નૌસેનાના વિમાનવાહક જહાજ વિક્રમાદિત્ય પર આગ, તપાસના આદેશ અપાયા
ભારતીય નૌસેનાના વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર આજે સવારે લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી.
જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને તમામ સૈનિકો સુરક્ષિત હોવાનુ પણ જાણવા મળ્યુ છે.દરમિયાન આગ લાગવાના કારણની તપાસ કરવા માટેના આદેશ આપી દેવાયા છે.
હાલમાં આઈએનએસ વિક્રમાદિત્ય ભારતનુ એક માત્ર વિમાન વાહક જહાજ છે.જે ભારતે રશિયા પાસેથી ખરીદયુ હતુ.આ જહાજ પર મિગ-29 પ્રકારના લડાકુ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.ભારતના અન્ય એક વિમાન વાહક જહાજ વિરાટને વિદાય કરી દેવાયા બાદ હાલમાં નૌસેના પાસે આ એક માત્ર વિમાન વાહક જહાજ છે.
અન્ય એક જહાજ ભારત દ્વારા દેશમાં જ બનાવવામાં આવી રહ્યુ છે.જોકે તેને નૌસેનામાં સામેલ કરવામાં હજી વાર છે ત્યારે આઈએનએસ વિક્રમાદિત્ય પર આગની ઘટના ચિંતાજનક છે.જોકે હજી સુધી આગમાં જહાજ પર કેટલુ નુકસાન થયુ છે અને તેની કામગીરી પ્રભાવિત થઈ છે કે કેમ તે અંગે કોઈ જાણકારી મળી નથી.
#NS News