અકસ્માતે 50 મીટર ઉંડી ખીણમાં પડેલા વ્યક્તિનો CRPF જવાને બચાવ્યો જીવ, ખભે બેસાડીને ઉપર લઈ આવ્યો
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક 50 મીટર ઉંડી ખીણમાં પડી ગયેલા એક વ્યક્તિનો જીવ CRPFના જવાને બચાવ્યો છે. જવાને આ વ્યક્તિને તેમની પીઠ પર ઉંચકીને સુરક્ષીત ખીણમાંથી બહાર કાઢ્યો હતો. સેનાએ તેમની આ હિમતવાન કામની પ્રશંશા કરી છે. આર્મીની જમ્મુ સ્થિત વ્હાઈટ નાઈટ કોર્પ્સે આ જવાનનો ઈજાગ્રસ્ત વ્યક્તિને પોતાની પીઠ પર ઉચકી જીવ બચાવ્યાની તસવીરો શેર કરી છે.
મળતી માહિતી પ્રમાણે કઠુઆ જિલ્લાના રહેવાસી નરેશકુમાર જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. તેજ સમયે જમ્મુ-કશ્મીરના રામબન જિલ્લાના બનિહાલ નજીક રસ્તા પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેમની કાર ખીણમાં પડી ગઈ હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના પ્રવક્તાએ જણાવ્યું કે, આ સમાચાર મળતાની સાથે જ F-187 બટાલિયન ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, બચાવ ટીમને વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. હાલતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર બાદ વ્યક્તિને બનિહાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વ્હાઈટ નાઈટ કોર્પ્સે ટ્વિટમાં જણાવ્યું કે કઠુઆથી નરેશ કુમારનું વાહન રાષ્ટ્રીય ધોરી માર્ગ 44 પર ખીણમાં પડી ગયું હતું. CRPFના કેન્સ્ટેબલ વિરેન્દ્રસિંહે તેમની પીઠ પર ઉંચકીને વ્યક્તિને બિછલેરી નદીમાંથી બહાર કાઢ્યા હતા. સમયસર જવાનની મદદના કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો છે.
લોકો પણ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની CRPFના જવાનની મદદની પ્રશંશા કરી રહ્યા છે. લાખો લોકો આ ટ્વિટને રીટ્વિટ પણ કરી રહ્યા છે. ટ્ટર પર F-187 બટાલિયનના જવાનોનો વીડિયો શેર કરતા જમ્મુ સેક્ટર CRPFએ જણાવ્યું કે, બનિહલની ખીણમાં પડી ગયેલા એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને તેને આર્મીની 23 બટાલિયન કેમ્પમાં લાવવામાં આવ્યો છે.