ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસના કારણે ઘણા લોકોએ તેમની આંખ, દાંત કે પછી જડબા ગુમાવ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત લોકોના મોત થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા આ રોગને પણ મહામારી જાહેર કરવામાં આવ્યો છે અને રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં અલગથી એક વોર્ડ ઉભો કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૂચના આપવામાં આવી હતી.
તો બીજી તરફ આ રોગની સારવારમાં જે ઇન્જેક્શન ઉપયોગમાં લેવામાં આવે છે તેની અછત હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી મળી રહે તેવી સુવિધા પણ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે પરંતુ અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને સરકાર દ્વારા એકબીજા પર આ ઇન્જેક્શન માટે ખો આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ જ કારણે દર્દીના સગા સંબંધીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે.
રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર કહી રહી છે કે, સરકારી હોસ્પિટલમાંથી મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે ઇન્જેક્શન મળી રહેશે પરંતુ અમદાવાદની એલ.જી હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવી દેવામાં આવ્યુ છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે હાલમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ નથી. બીજી મહત્ત્વની વાત છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમદાવાદની SVP હોસ્પિટલમા આ ઇન્જેક્શન મળશે નહીં અને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એલ.જી હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવામાં આવશે પરંતુ હવે એલ.જી. હોસ્પિટલમાં પણ ઇન્જેક્શનનો જથ્થો ન હોવાના બોર્ડ મારવામાં આવ્યા છે.
મ્યુકોરમાઇકોસિસના દર્દી માટે ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી જ હોસ્પિટલની બહાર દર્દીઓના સગા સંબંધીઓની લાંબી-લાંબી લાઈનો લાગે છે. છેલ્લા બે દિવસથી ઘણા લોકો ધક્કા ખાઈ રહ્યા છે. દર્દીના સગા સંબંધી હોસ્પિટલની બહાર એટલા માટે ઉભા રહે છે તેમને આશા હોય છે કે જે મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઈન્જેકશન તેમને મળશે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં ઈન્જેક્શનનો સ્ટોક નથી. અમારા દર્દીઓ માટે પણ ઇન્જેક્શન ખુટી રહ્યા છે આથી અમે ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને નહીં આપીએ.
આ બાબતે ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના ચેરમેન જશુ પટેલે નિવેદન આપ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત છે. ગુજરાતમાં એક પણ મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્શન નથી. દર્દીના સગા સંબંધીઓએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વર્તમાનમાં મળી રહેલા ઇન્જેક્શન પર GST વાળું બિલ લેવું જોઈએ કારણ કે અગાઉ રેમડેસિવીર ઇન્જેક્શનની પણ કાળા બજારી થઈ હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ મેડિકલ સ્ટોર પર મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનનો જથ્થો નથી. સરકારે પણ આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.