લાખણી તાલુકાના કાતરવા ગામ પાસેથી ડીસા તરફ જઈ રહેલા ટેન્કર માંથી બાતમીના આધારે આગથળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એલસીબી પોલીસે ₹ 693200ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત 37,22,980ના મુદ્દામાલ સાથે ટેન્કરમાં રહેલ બે ઈસમોને ઝડપી લઇ આગથળા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એલસીબી પાલનપુર, બનાસકાંઠા પોલીસ સ્ટાફના યશવંત સિંહ, રાજેશકુમાર, મનીષભાઈ, નિશાંત ભાઈ, ગજેન્દ્રદાન, દિલીપસિંહ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વહેલી સવારે હે.કો. યશવંતસિંહને ખાનગી રાહે લાખણી તરફથી આવતા ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા તેઓએ કાતરવા ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળું ટેન્કર હાઈવે ઉપરથી પસાર થતાં તેનો પીછો કરી સાઇડમાં ઊભુ રખાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 113 પેટી તેમજ છૂટી 377 બોટલ મળી કુલ 1733 બોટલ કિં.રૂ. 693200/- નો માલ મળી આવ્યો હતો.
જેથી પોલીસે ટેન્કરના કેબિનમાં બેઠેલા બે શખ્સો ફતારામ થાનારામ જાટ અને મગનારામ ખેતારામ જાટ (બંને રહે. ધારાસર, રાજસ્થાન) ને ઝડપી લઇ તેમની પાસે રહેલ રોકડ તેમજ મોબાઇલ નંગ-4 તથા ટેન્કર નંબર GJ – 12 – BW – 1441 ની કિં.રૂ. 300000/- સહિત કુલ ₹ 3722980 નો મુદ્દામાલ કબજે લઇ તથા માલ ભરાવનાર સત્તારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટાંકીમાં દારૂ ભર્યો હતો
ટેન્કરમાં રહેલ વિદેશી દારૂ પોલીસને સહેલાઈથી મળે નહીં તે હેતુથી આરોપીઓએ કેમિકલ ભરવાના ટેન્કરમાં રહેલ 6 ટાંકીમાંની 5 ટાંકી ખાલી રાખી જ્યારે એક ટાંકીમાં દારૂ ભર્યો હતો. જેથી પોલીસ આગળની 5 ટાંકી ખાલી જોઈને જવા દે પરંતુ આરોપીઓની આ ચાલ એલસીબી પોલીસ સામે ચાલી નહોતી અને તે ઝડપાઇ ગયા હતા.