ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મહિલાલક્ષી યોજનાની પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મહિલાલક્ષી યોજનાની પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારત માતા કી જય.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તરપ્રદેશના ઊર્જાવાન અને કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, પ્રયાગરાજની ધરતીના લોકપ્રિય નેતા, ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી સાધ્વી નિરંજન જ્યોતિજી, શ્રીમતી અનુપ્રિયા પટેલજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી ડો. મહેન્દ્ર સિંહ મોતીજી, શ્રી સિધ્ધાર્થનાથ સિંહજી, નંદગોપાલ ગુપ્તા નંદીજી, શ્રીમતી સ્વાતિ સિંહજી, શ્રીમતી ગુલાબો દેવીજી, શ્રીમતી નિલિમા કટિયારજી, સંસદમાં મારા સહયોગી બહેન રીટા બહુગુણાજી, શ્રીમતી હેમા માલિનીજી, શ્રીમતી કેશરી દેવી પટેલજી, ડો. સંઘ મિત્રા મૌર્યજી, શ્રીમતી ગીતા શાક્યજી, શ્રીમતી કાંતા કર્દમજી, શ્રીમતી સીમા દ્વિવેદીજી, ડો. રમેશ ચંદ બિન્દજી, પ્રયાગરાજના મેયર શ્રીમતી અભિલાષા ગુપ્તાજી. જીલ્લા પંચાયતના અધ્યક્ષ ડો. વી. કે સિંહજી, તમામ ધારાસભ્યો અને લોક-પ્રતિનિધિ સમુદાય તથા અહીંયા ઉપસ્થિત ઉત્તરપ્રદેશના સામર્થ્યને વધારનારી અને અહીંના સામર્થ્યની પ્રતિક મારી માતાઓ અને બહેનો. આપ સૌને મારા પ્રણામ. મા ગંગા, યમુના, સરસ્વતીના પવિત્ર સ્થળ પર વસેલા પ્રયાગરાજની ધરતીને હું મસ્તક નમાવીને પ્રણામ કરૂં છું. આ એ ધરા છે કે જ્યાં ધર્મ, જ્ઞાન અને ન્યાયની ત્રિવેણી વહે છે. તીર્થોના તીર્થ પ્રયાગરાજમાં આવીને એક અલગ જ પવિત્રતા અને ઊર્જાનો અનુભવ થાય છે. ગયા વર્ષે અમે કુંભ મેળા વખતે આ પવિત્ર ધરતી પર આવ્યા હતા અને ત્યારે સંગમમાં ડૂબકી લગાવીને અનોખા આનંદનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. તીર્થરાજ પ્રયાગની આ પાવન ભૂમિને હું હાથ જોડીને પ્રણામ કરૂં છું. આજે હિંદી સાહિત્ય જગતના સર્વમાન્ય આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીજીની પુણ્ય તિથી પણ છે. પ્રયાગરાજથી સાહિત્યની જે સરસ્વતી વહી, તેના દ્વિવેદીજી લાંબા સમય સુધી સંપાદક પણ રહ્યા હતા. હું તેમને મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું.
માતાઓ અને બહેનો,
પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતિક સમાન, મા ગંગા- યમુના- સરસ્વતીના સંગમની ધરતી છે. આજે આ તીર્થ નગરી નારી શક્તિના આ અદ્દભૂત સંગમની પણ સાક્ષી બની છે. અમારૂ સૌનું એ સૌભાગ્ય છે કે તમે સૌ અમને પોતાનો સ્નેહ આપવા, તમારા આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છો. માતાઓ અને બહેનો, હું અહીંયા મંચ પર આવ્યો તે પહેલાં બેંકીંગ સખીઓ મારફતે, સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો અને કન્યા સુમંગલા યોજનાની લાભાર્થી દીકરીઓ સાથે વાત કરી હતી. તેમણે એવા એવા ભાવ તથા આત્મવિશ્વાસ ભરેલી વાતો કરી હતી! માતાઓ અને બહેનો, આપણાં ત્યાં એક કહેવત છે કે “પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્.”આનો અર્થ એવો થાય છે કે જે પ્રત્યક્ષ છે, જે સામે છે તેને સાબિત કરવા માટે કોઈ પૂરાવાની જરૂર પડતી નથી. ઉત્તરપ્રદેશના વિકાસ માટે, મહિલાઓના સશક્તીકરણ માટે જે કામ થયું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. હમણાં મને અહીંયા મુખ્ય મંત્રી કન્યા સુમંગલા યોજનાની 1 લાખથી વધુ લાભાર્થી દીકરીઓના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ યોજના ગામડાંના ગરીબો માટે, દીકરીઓ માટે વિશ્વાસનું એક ખૂબ મોટું માધ્યમ બની રહી છે. ઉત્તરપ્રદેશે બેંક સખી નું પણ અભિયાન શરૂ કર્યું છે. આ યોજના મહિલાઓને રોજગારીની તકોની સાથે સાથે તેમના જીવનમાં પણ પરિવર્તન લાવી રહી છે. સરકારની અલગ અલગ યોજનાઓના જે પૈસા સીધા ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી) ના માધ્યમથી ખાતામાં જમા થાય છે તે પૈસા ઉપાડવા માટે હવે બેંકમાં જવું પડતું નથી. બેંક સખીની મદદથી આ પૈસા ગામમાં દરેક ઘરે મળી જાય છે. આનો અર્થ એ છે કે બેંક સખી બેંકને ગામ સુધી લઈ આવી છે અને જે લોકો એવું વિચારતા હોય કે આ એક નાનું કામ છે તો હું તેમને પણ જણાવવા માંગુ છું કે બેંક સખીઓનું કામ કેટલું મોટું છે.ઉત્તરપ્રદેશ સરકારે આ બેંક સખી ઉપર આશરે રૂ.75 હજાર કરોડની લેવડ- દેવડની જવાબદારી સોંપી છે. રૂ.75 હજાર કરોડનો વહિવટ ગામમાં રહેનારી મારી બહેનો અને દીકરીઓ કરી રહી છે. જેટલી લેવડ-દેવડ ગામડાંમાં થશે તેટલી તેમને આવક પણ થશે. તેમાંથી મોટાભાગની બેંક સખીઓ એવી બહેનો છે કે જેમનાં થોડા વર્ષ પહેલાં બેંકના ખાતા પણ ન હતા, પરંતુ આજે આ મહિલાઓના હાથમાં બેંકીંગની, ડીજીટલ બેંકીંગની તાકાત આવી ગઈ છે. એટલા માટે દેશ જોઈ રહ્યો છે કે ઉત્તરપ્રદેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે અને એટલે જ તો હું કહું છું કે “પ્રત્યક્ષે કિમ્ પ્રમાણમ્.”