રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહ
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના તેલચિત્રને પુષ્પાંજલી – નમન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષે હંમેશા શોષીત, પીડીત અને ગરીબ પરિવારોને ન્યાય માટેની લડત લડી છે. કોંગ્રેસ પક્ષ હંમેશા સંવિધાનનું સન્માન કરે છે. ભારત દેશની આઝાદી પછી નિષ્ણાંતોને સાથે રાખીને વિશ્વના બંધારણનો અભ્યાસ કરીને શ્રેષ્ઠત્તમ બંધારણ ઘડવામાં આવ્યું જેનો શ્રેય બાબાસાહેબ આંબેડકર અને તે સમયના ભારત નિર્માણ માટે કામ કરનારા નિષ્ઠાવાન નેતૃત્વને જાય છે. ભાજપાની નીતિ હંમેશા અમીરો માટે રહી છે. સામાન્ય લોકોને મોંઘવારીના મારથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોષીત, પીડીત અને ગરીબો સૌથી વધુ ભાજપ સરકારની નીતિથી વ્યાપક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે ત્યારે સૌની જવાબદારી બને છે કે દેશની જનતાને મોંઘવારીના મારમાંથી મુક્તિ અપાવવા માટે દરેક કોંગ્રેસજને સંગઠિત થઈને લડાઈ લડવી પડશે. અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત યુવાન અધ્યક્ષશ્રી હિતેન્દ્ર પીઠડીયાને ખુબ ખુબ શુભકામના સાથે આગામી દિવસોમાં આક્રમકતાથી લડત લડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ યુવાનના હાથમાં અનુસૂચિત જાતિ વિભાગની અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે હંમેશા શિક્ષીત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરોનો નારો આપ્યો. જે નારાને આજે આપણે સૌએ સાથે મળીને બુલંદ કરવાનો છે. ગુજરાતના ગામેગામ અને શહેરોમાં કોંગ્રેસપક્ષ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુની સાથે સાથે બહુજન મહાપુરુષોની વિચારધારાનો પ્રચાર – પ્રસાર કરી કટ્ટરવાદી આર.એસ.એસ અને ભાજપની વંચિત – શોષીત – પીડીત વિરોધી નિતિઓને ઉજાગર કરી લોકો સમક્ષ સાચી હકિકત રજુ કરીશું. મંદી – મોંઘવારી – મહામારી સહિતના આરોગ્ય સેવા, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દે કોંગ્રેસ પક્ષ આક્રમક કાર્યક્રમ થકી જનસંપર્ક કરી ભાજપ સરકારને આવનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડશે. કોરોના મહામારીમાં જે રીતે ભાજપા સરકારની ગુન્હાહિત બેદરકારી અને અણઘડ આયોજનથી ગુજરાત અને ગુજરાતીઓએ મોટાપાયે સહન કરવુ પડ્યું. જે સરકાર સારવાર ના આપે, જે સરકાર સન્માન સાથે અગ્નિ સંસ્કારનો અધિકાર છીનવી લે તે સરકારને સુપ્રિમકોર્ટ ફટકાર લગાડે ત્યારે તેમને નાગરિકો યાદ આવે છે. ગુજરાતમાં શોષિત, પીડીત, ગરીબ, સામાન્ય, નાગરિકોના હક્ક અને અધિકારની લડત માટે સંગઠિત થઈને લડત આપવાનો સમય પાકી ગયો છે ત્યારે શિક્ષણ, રોજગાર, આવાસ અને જીવન જીવવાના અધિકાર માટે કોંગ્રેસ સરકારે કાયદાકીય હક્ક અને અધિકાર આપ્યા છે. કમનસીબે ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણ, રોજગાર, આવાસ અને આરોગ્ય સહિતના હક્ક અને અધિકાર છીનવી રહી છે.
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં સંબોધન કરતાં શ્રી હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી દલિત વિરોધી, સંવિધાન વિરોધી, બાબાસાહેબ આંબેડરની વિચારધારા વિરોધી ભાજપ સરકારને ગાંધીનગરમાંથી ખદેડી મુકવાનું કામ સૌ સાથે મળીને ‘‘ટીમ કોંગ્રેસ’’ તરીકે કરવામાં આવશે. ગુજરાતના તમામ ૫૦,૦૦૦ થી વધુ બુથોમાં દલિત મતદારોને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરે અને ભ્રષ્ટ ભાજપ સરકારને જાકારો આપે તેવી અપીલ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. ભાજપના શાસનમાં સર્વે સમાજ દુઃખી છે પરંતુ વિશેષ કરીને દલિત સમાજના સામાજીક – આર્થિક સહિતના પ્રશ્નોનું સમાધાન થઈ રહ્યું નથી. ત્યારે કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાતના તમામ ગામેગામ સુધી પોતાના સંગઠનને તાકાત વધારી વંચિત – શોષીત – પીડીત સમાજના હક્ક અને અધિકાર અપાવવા માટે કટિબદ્ધ રહેશે. વંચિત – શોષીત – પીડીત સમાજની મહિલાઓ, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે, ઉદ્યોગકારોના પ્રશ્નો માટે અને સરકારી કર્મચારીઓ માટે થતા અન્યાયની વિરૂદ્ધમાં સરકારને મજબુતાઈથી જવાબ આપવામાં આવશે.
ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનના સહપ્રભારી શ્રી જીતેન્દ્ર બઘેલ, ડૉ. બિશ્વરંજન મોહંતી, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી શ્રી દિપક બાબરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકી, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી જીગ્નેશ મેવાણી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખશ્રી તરૂણ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા, શ્રી અશોક પંજાબી, ડૉ. મનિષ દોશી સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો – કાર્યકરો, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના પદગ્રહણ સમારોહનું સંચાલન શ્રી હિરેન બેંકરે કર્યું હતું અને આભાર વિધી શ્રી દિનેશ મહેરીયાએ કરી હતી