તમામ પક્ષો રવ. કિશન ભરવાડ ના આરે

ધંધુકા તાલુકાના ચચાણા ગામમાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા અતિ દુઃખદ ઘટના છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ આગેવાનો આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે પીડીતના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પરીવારજનોને સાંત્વના પાઠવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પક્ષના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુરભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને અમિત લવતુકા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, સ્વ. કિશન ભરવાડના પરીવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં રજુઆત કરશે અને જ્યારે કોઈપણ વ્યક્તિ, સમાજ કોઈપણ રાજકીય પક્ષ જ્યારે અધિકારો માંગવા માટે નીકળે ત્યારે ભાજપ સરકારની કાયમી દમનની નીતિ રહી છે. પોલીસતંત્ર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે તથા કોઈકને કોઈક રીતે અધિકારો માંગતા નાગરિકોને અટકાવવામાં આવે છે. રાજકોટનો બનાવ માલધારી સમાજ માટે તથા તેમને થતા અન્યાયો માટેની માંગણી માટે હતો. જ્યારે, રાજકોટ કલેક્ટર કચેરી જતા હોય ત્યારે તેમને અટકાવવામાં આવે તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, કાયદાનો ભય બતાવવામાં આવે આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ એક ખૂબ જ નિંદનીય ઘટના છે. જ્યારે અંગ્રેજોના શાસનકાળમાં આંદોલનકારીઓ ખુલ્લા મનથી વિરોધ કરી શકતા હતા અને આજના સમયમાં જ્યારે આંદોલનકારીઓને અટકાવવામાં આવે છે તેમના પર પોલીસ દંડા – બળપ્રયોગ કરે તે કેટલે અંશે વ્યાજબી ? તે ખુબ જ શરમજનક બાબત છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવનારા પર અત્યાચાર કરવો એ ભાજપની નીતિ રહી છે.
ગુન્હેગારો અને અસામાજીક તત્વોને કોઈ ધર્મ કે કોમ હોતી નથી. ધંધુકા હત્યા મામલો હોય, રાજકોટની ઘટના હોય કે પછી અમદાવાદમાં નરોડા, સુરતની ઘટના હોય તમામ ઘટનામાં જે કોઈ ગુન્હેગારો હોય તેને સખત સજા થાય તે કોંગ્રેસ પક્ષની માંગ છે. ભાજપ સરકાર કાયદો – વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ જાય ત્યારે ધ્યાન ભટકાવવા નીતનવા નાટકો કરે છે ત્યારે રાજ્ય સરકારને સીધો સવાલ છે કે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રેડએલર્ટ હતુ તો આ કનેક્શન જે બતાવો છો તેના માટે કોણ જવાબદાર ? હથિયારોની હેરાફેરી કેમ થઈ ? થોડા દિવસ પહેલા પોલીસને રોડ ઉપર મારતા અસામાજીક તત્વોનો વિડીયો દર્શાવે છે કે કઈ હદે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. રાજકોટમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી કરતા લોકોને જોયા, સૌરાષ્ટ્રમાં નાયક અને ખલનાયક ઉપર ફાયરીંગ થાય તેવા બનાવો જોયા, ગુંડાગીરી કરનારા લોકો ખુલ્લે આમ ફરે છે અને અનેક કિસ્સામાં આવા અસામાજીક તત્વોને ક્યાંકને ક્યાંક ભાજપ રાજકીય આશ્રય આપતી હોય તેવુ ખુલ્યું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જાય ત્યાં સુધી સરકાર કેમ ઉંઘી રહી છે ? રાજ્ય સરકારને કોંગ્રેસ પક્ષ વિનંતી કરે છે કે, ગુજરાત અને ગુજરાતીઓને શાંતિ આપો. કાયદો – વ્યવસ્થા જાળવવા માટે સખત પગલા ભરો.