કોઈપણ વિદ્યાર્થી ધર્મના પાલન માટે સ્કૂલે ન આવે ઃ કર્ણાટકના ગૃહમંત્રી

રાજ્યમાં કોઈપણ વિદ્યાર્થી હિજાબ અથવા ભગવા શાલ પહેરીને ધાર્મિક વિધિઓ કરવા સ્કૂલ-કોલેજમાં ન આવે તેમ જણાવતાં કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રએ પોલીસને આ સંદર્ભમાં દેશની એકતા તોડવાનો પ્રયાસ કરતા ધાર્મિક સંગઠનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો હતો.
કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થીએ સ્કૂલમાં તેમના ધર્મના પાલન માટે ન આવવું જાેઈએ, કારણ કે સ્કૂલ-કોલેજ બધા જ વિદ્યાર્થીઓ માટે એકતાની ભાવના સાથે શિક્ષણ મેળવવાની જગ્યા છે. ઉડુપીમાં એક સરકારી કોલેજમાં ‘હિજાબ’ પહેરેલી કેટલીક વિદ્યાર્થિનીઓને દરવાજા પર રોકવામાં આવી હતી. તેમને જણાવાયું હતું કે, ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી નથી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાના વિરોધમાં બુધવારે ૧૦૦થી વધુ હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરીને ક્લાસમાં આવ્યા હતા.
જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે, સ્કૂલો બધા જ ધર્મના બાળકો માટે સાથે મળીને શિક્ષણ મેળવવાનું સ્થળ છે. આ વિદ્યાર્થીઓ બધા જ ભારત માતાના સંતાન છે અને તેમનામાં કોઈ ભેદભાવ નથી તેવી ભાવના પેદા કરવાની જગ્યા છે. કર્ણાટકમાં હિજાબ પહેરવાના વિવાદની શરૂઆત ઉડુપી જિલ્લાની એક સરકારી કોલેજમાં છ મુસ્લિમ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશતી અટકાવવાથી થઈ હતી. કોલેજના આ ર્નિણય વિરુદ્ધ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમણે ક્લાસનો બહિષ્કાર કર્યો છે.
જાેકે, હિજાબ પહેરવાના વિરોધમાં હિન્દુ વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે. આથી ઉડુપીની એક કોલેજ સુધી મર્યાદિત હિજાબનો વિવાદ હવે આખા કર્ણાટક અને તેની કોલેજાેમાં ફેલાઈ ગયો છે. વધુમાં આ વિવાદ હવે સાંપ્રદાયિક વળાંક લઈ રહ્યો છે અને રાજ્યમાં શૈક્ષણિક વાતાવરણ જાેખમી બની રહ્યું છે.